રાજકોટમાં મચ્છરો સામે હવે ડ્રોનની ‘દવા’! AI ટેક્નોલોજીથી 162 ચો.કિમી વિસ્તારમાં થશે સર્વે

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

આજી નદીના પટ સહિત મચ્છરના બ્રિડિંગ પોઈન્ટનું મેપિંગ : મુશ્કેલ વિસ્તારોમાં ડ્રોનથી લાર્વીસાઈડનો છંટકાવ

રાજકોટ: શહેરમાં મચ્છરોના ઉપદ્રવને કાબૂમાં લેવા રાજકોટ મહાનગરપાલિકાએ હવે આધુનિક ટેક્નોલોજીનો સહારો લીધો છે. મેલેરિયા, ડેંગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગોના નિયંત્રણ માટે ડ્રોન ટેક્નોલોજી અને AI આધારિત મેપિંગ સાથે મચ્છરોના ઉત્પત્તિસ્થાનો શોધી નાશ કરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

મેયર ડો. નેહલ શુક્લના હસ્તે આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કામગીરીમાં ખાસ કરીને આજી નદીના પટ સહિતના વિસ્તારોમાં મચ્છરોના સંભવિત બ્રિડિંગ પોઈન્ટ શોધવામાં આવશે.

AIથી શોધાશે મચ્છરના બ્રિડિંગ પોઈન્ટ

ડ્રોન દ્વારા શહેરના સંભવિત મચ્છર ઉત્પત્તિ કેન્દ્રોની ઓળખ કરવામાં આવશે. AI આધારિત પ્લેટફોર્મની મદદથી સમગ્ર વિસ્તારનું મેપિંગ કરી મળેલા બ્રિડિંગ સોર્સને જીઓટેગિંગ સાથે ઓનલાઈન પ્લેટફોર્મ પર અપલોડ કરવામાં આવશે.

ત્યારબાદ સંબંધિત વિસ્તારના આરોગ્ય કર્મચારીઓ અને અધિકારીઓ સ્થળ પર જઈને ચકાસણી કરશે અને જરૂરી સોર્સ રિડક્શનની કામગીરી હાથ ધરશે.

જ્યાં માણસ ન પહોંચી શકે ત્યાં ડ્રોન પહોંચશે

મચ્છરોના નિયંત્રણ માટે ડ્રોન દ્વારા લાર્વીસાઈડ દવાનો છંટકાવ પણ કરવામાં આવશે. ખાસ કરીને ઊંચી ઈમારતોની અગાશીઓ, મોટા જળાશયો, બાંધકામ સાઇટો, ખુલ્લા પ્લોટ, ખુલ્લી ડ્રેનેજ અને માનવબળ માટે મુશ્કેલ વિસ્તારોમાં આ ટેક્નોલોજી ઉપયોગી બનશે.

કાર્યક્રમ દરમિયાન ડ્રોનથી લાર્વીસાઈડ દવાના છંટકાવનું જીવંત નિદર્શન પણ કરવામાં આવ્યું હતું.

162 ચો.કિમીનું મેપિંગ, 500 કલાક ડ્રોન ઓપરેશન

મહાપાલિકા દ્વારા રાજકોટ શહેરના અંદાજે 162 ચોરસ કિલોમીટર વિસ્તારનું AI આધારિત મેપિંગ કરવામાં આવશે. સંભવિત મચ્છર ઉત્પત્તિ કેન્દ્રોની ઓળખ થયા બાદ અંદાજે 500 કલાક સુધી ડ્રોનથી લાર્વીસાઈડ દવાનો છંટકાવ કરવાની કામગીરી હાથ ધરાશે.

મહાપાલિકાનો દાવો છે કે આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી મચ્છરના ઉત્પત્તિસ્થાનો ઝડપથી શોધી શકાય અને મુશ્કેલ વિસ્તારોમાં પણ અસરકારક રીતે દવાનો છંટકાવ કરી શકાય, જેના પરિણામે શહેરમાં મચ્છરજન્ય રોગોના નિયંત્રણમાં મદદ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai