ભાવનગર શહેરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડ બહાર આજે સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સિહોર-ટાણા-વરલ રૂટની એસ.ટી. બસ બસ સ્ટેન્ડમાંથી બહાર નીકળી રહી હતી ત્યારે કોઈ કારણસર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં બસ સીધી ફૂટપાથ પર ચડી ગઈ હતી. ત્યારબાદ બસ ભરૂચા ક્લબની દીવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી.
બસ ફૂટપાથ પર ચડી જતાં ત્યાં બેઠેલા મુસાફરો તેની અડફેટે આવી ગયા હતા. આ અકસ્માતમાં સિહોર તાલુકાના રામધરી (સણોસરા) ગામના લલીતાબેન ગુલાબસિંહ પરમાર (ઉં.વ. 28) અને તેમની સાત વર્ષની પુત્રી સોનિયાબેનનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. માતા-પુત્રી પોતાના અંગત કામ માટે ભાવનગર આવ્યા હતા અને કામ પૂર્ણ કર્યા બાદ ગામ પરત જવા માટે બસની રાહ જોઈ ફૂટપાથ પર બેઠાં હતાં.
અકાળે બનેલી આ દુર્ઘટનામાં અન્ય એક મહિલા મધુબેન લાલજીભાઈ વાઘેલા, રહે. ઠોડા, તા. ઉમરાળા, પણ બસની અડફેટે આવી જતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હતાં. અકસ્માત બાદ આસપાસના વેપારીઓ, રાહદારીઓ અને બસ સ્ટેન્ડમાં હાજર લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
સ્થાનિક લોકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરતાં ગંભીર રીતે ઘવાયેલા મધુબેનને તાત્કાલિક ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
અકસ્માનની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. બસ રસ્તા પર અટવાઈ જતાં ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને પગલે પોલીસે ક્રેનની મદદથી ક્ષતિગ્રસ્ત બસને હટાવી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. પોલીસે માતા-પુત્રીના મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.
અકસ્માન પાછળ બસની બ્રેક ફેલ થઈ હતી કે ડ્રાઈવરની બેદરકારીના કારણે કાબૂ ગુમાવ્યો હતો તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. એક જ પરિવારની માતા અને માસૂમ પુત્રીના મોતથી રામધરી ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.










