100 કિલો જેટલો શુદ્ધ કોપર વાયર ચોરી જતા વેપારીએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી
મોરબી: મોરબીના ઘુટુ રોડ ઉપર આઈટીઆઈ કોલેજની પાછળ આવેલી રેફ્રિજરેશનની દુકાનમાં તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હોવાની ઘટના સામે આવી છે. દુકાન બંધ હોવાનો લાભ લઈ અજાણ્યા શખ્સોએ પાછળના ભાગે આવેલી બારીના લોખંડના સળિયા તોડી દુકાનમાં પ્રવેશ કર્યો હતો અને અંદરથી આશરે 100 કિલો કોપર વાયર ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી થયેલા માલની કુલ કિંમત રૂ.1.80 લાખ જેટલી હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ, હળવદ તાલુકાના સમલી ગામે રહેતા કૌશિકભાઈ ત્રિભુવનભાઈ પટેલ (ઉં.વ.42) એસી રિપેરિંગ તથા વેચાણનો વ્યવસાય કરે છે. તેમની ઘુટુ રોડ ઉપર આઈટીઆઈ કોલેજની પાછળ પીપળી ગામ તરફ જવાના રસ્તા પર ડાયમંડ રેફ્રિજરેશન નામની દુકાન આવેલી છે.
મોડી રાત્રિના સમયે દુકાન બંધ હતી ત્યારે અજાણ્યા તસ્કરે દુકાનના પાછળના ભાગે આવેલી લોખંડની બારીના સળિયા તોડી નાખ્યા હતા. બારી મારફતે દુકાનમાં પ્રવેશ કર્યા બાદ તસ્કરે દુકાનમાં રાખવામાં આવેલા નવા શુદ્ધ કોપરના વાયરના ફીંડલા તેમજ નાના-મોટા કોપર વાયરના ટુકડાઓ ચોરી લીધા હતા.
વેપારીના જણાવ્યા મુજબ, દુકાનમાંથી આશરે 100 કિલો જેટલો કોપર વાયર ચોરી થયો છે, જેની અંદાજિત કિંમત રૂ.1.80 લાખ થાય છે. ચોરીની જાણ થતાં વેપારીએ સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી.
બાદમાં કૌશિકભાઈ પટેલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા દુકાન તથા આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરવાની સાથે ચોરીમાં સંડોવાયેલા શખ્સને ઝડપી પાડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.










