ગુજરાત સરકાર દ્વારા નાગરિક સેવાઓના ડિજિટાઈઝેશનને વધુ વેગ આપવામાં આવી રહ્યો છે. સામાજિક કલ્યાણ અને શૈક્ષણિક યોજનાઓ માટે જરૂરી જાતિ, આવક સહિતના કુલ 7 પ્રકારના પ્રમાણપત્રો હવે ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ સુવિધાનો લાભ છેલ્લા ચાર મહિનામાં એક લાખથી વધુ નાગરિકોએ ‘સુગમ ડિજિટલ ગુજરાત’ પોર્ટલ મારફતે લીધો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ તથા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડો. પ્રદ્યુમ્ન વાજા અને રાજ્ય મંત્રી ડો. મનીષાબેન વકીલના નેતૃત્વમાં શરૂ કરાયેલી આ પહેલથી નાગરિકોને વિવિધ પ્રમાણપત્રો મેળવવા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવાની જરૂરિયાત ઘટી છે.
7 પ્રકારના પ્રમાણપત્રો ઓનલાઈન મળશે
‘સુગમ ડિજિટલ ગુજરાત’ પોર્ટલ પર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર, નોન-ક્રીમીલેયર પ્રમાણપત્ર, EWS પાત્રતા પ્રમાણપત્ર, બિનઅનામત વર્ગનું પ્રમાણપત્ર, ધાર્મિક લઘુમતી પ્રમાણપત્ર, વિચરતી-વિમુક્ત જાતિ પ્રમાણપત્ર અને આવકનું પ્રમાણપત્ર જેવી સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
નાગરિકો હવે ઘરેથી જ ઓનલાઈન અરજી કરી શકશે અને જરૂરી દસ્તાવેજોની ચકાસણી બાદ e-Sign ધરાવતું ડિજિટલ પ્રમાણપત્ર મેળવી શકશે. આ પ્રમાણપત્રો WhatsApp તેમજ DigiLocker જેવા માધ્યમો પર પણ ઉપલબ્ધ કરાવવાની સુવિધા હોવાથી તેનો ઉપયોગ વધુ સરળ બન્યો છે.
વિદ્યાર્થીઓ અને યુવાનોને મોટી રાહત
એડમિશન, સ્કોલરશિપ અને સરકારી ભરતી માટે જરૂરી પ્રમાણપત્રો ઓનલાઈન ઝડપથી મળી રહેતાં વિદ્યાર્થીઓ અને સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનોને ખાસ રાહત મળશે. ડિજિટલ પ્રક્રિયાના કારણે પ્રમાણપત્ર મેળવવામાં લાગતો સમય ઘટશે અને વહીવટી વિલંબ ઓછો થવાની સાથે સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા પણ વધશે.
વિકસતી જાતિ કલ્યાણ નિયામક વિક્રમસિંહે રાજ્યના નાગરિકોને સરકારી કચેરીઓમાં જવાને બદલે સત્તાવાર ‘સુગમ ડિજિટલ ગુજરાત’ પોર્ટલ પર ઉપલબ્ધ સેવાઓનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરી છે.










