પ્લોટ નં. 28ની ફેક્ટરીમાં આગ લાગતા અફરાતફરી : ફાયર બ્રિગેડની 7થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી
અમદાવાદના નરોડા GIDC ફેસ-3 વિસ્તારમાં આવેલી એક કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. પ્લોટ નંબર 28 પર આવેલી ફેક્ટરીમાં આગ લાગ્યા બાદ થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેના કારણે આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા અને સ્થાનિકોમાં પણ ચિંતા ફેલાઈ હતી.
ફાયર બ્રિગેડની 7થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે
મળતી માહિતી મુજબ, નરોડા GIDC ફેસ-3ના પ્લોટ નંબર 28 પર આવેલી ફેક્ટરીમાં કોઈ કારણોસર અચાનક આગ લાગી હતી. શરૂઆતમાં નાની દેખાતી આગ જોતજોતામાં વિકરાળ બની હતી. આગની જ્વાળાઓ સાથે ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતા આસપાસની ફેક્ટરીઓમાં પણ દોડધામ મચી હતી.
ઘટનાની જાણ થતાં અમદાવાદ ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ ફાયર વિભાગનો કાફલો 7થી વધુ ફાયર ફાઇટરો અને ફાયર ગાડીઓ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયર ફાઇટરો દ્વારા પાણીનો સતત મારો ચલાવીને આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા.
આસપાસની ફેક્ટરીઓમાં આગ ન ફેલાય તે માટે તકેદારી
GIDC વિસ્તાર હોવાથી આગ વધુ ફેલાવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી હતી. આગની જ્વાળાઓ આસપાસની અન્ય ફેક્ટરીઓ સુધી ન પહોંચે તે માટે ફાયરકર્મીઓ દ્વારા આગને નિયંત્રણમાં લેવાની કામગીરી કરવામાં આવી રહી હતી.
ફાયર વિભાગની ટીમો દ્વારા કંપનીના અલગ-અલગ ભાગોમાં પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આગના કારણે આસપાસના વિસ્તારમાં ધુમાડો ફેલાતાં લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો.
સદનસીબે કોઈ જાનહાનિ નહીં
આ ભીષણ આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આગની જાણ થતાં જ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવતા મોટી દુર્ઘટના ટળી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
હાલ આગ કયા કારણોસર લાગી તે અંગે ચોક્કસ માહિતી સામે આવી નથી. ફાયર વિભાગ દ્વારા આગ સંપૂર્ણપણે કાબૂમાં લીધા બાદ કંપનીમાં તપાસ હાથ ધરવામાં આવશે. ત્યારબાદ આગ લાગવાનું ચોક્કસ કારણ તેમજ આગના કારણે થયેલા નુકસાનનો વાસ્તવિક અંદાજ બહાર આવશે.
નરોડા GIDC જેવા ઔદ્યોગિક વિસ્તારમાં આગની આ ઘટનાને પગલે ફાયર વિભાગ દ્વારા આસપાસના વિસ્તારોમાં પણ તકેદારી રાખવામાં આવી રહી છે અને આગ ફરીથી ભભૂકી ન ઊઠે તે માટે કૂલિંગની કામગીરી પણ કરવામાં આવી રહી છે.










