10 સપ્ટેમ્બરથી રાજ્યભરના વર્ગ-3 મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાની ચીમકી
ગાંધીનગર :
રાજ્યના મહેસૂલી વિભાગના વર્ગ-3 કર્મચારીઓ દ્વારા છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વર્ક ટુ રૂલ આંદોલન બાદ હવે આંદોલનને વધુ ઉગ્ર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પડતર સેવા વિષયક પ્રશ્નો અંગે સરકાર તરફથી સંતોષકારક કાર્યવાહી નહીં થતાં ગુજરાત રાજ્ય મહેસૂલ કર્મચારી મહામંડળે આક્રમક કાર્યક્રમ જાહેર કર્યો છે.
સોમવારથી કાળી પટ્ટી ધારણ કરી વિરોધ
આગામી સોમવારથી રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં જિલ્લા મથકોએ મહેસૂલી વર્ગ-3ના કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવશે. ત્યારબાદ દરેક જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પડતર પ્રશ્નોના નિરાકરણ માટે 10 દિવસની મહેતલ આપવામાં આવશે.
મહેસૂલી કર્મચારીઓમાં તલાટી, ક્લાર્ક અને નાયબ મામલતદાર સહિતના કર્મચારીઓનો સમાવેશ થાય છે. કર્મચારી મંડળનો આક્ષેપ છે કે લાંબા સમયથી સેવા સંબંધિત પ્રશ્નો અંગે રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સરકાર દ્વારા પૂરતું ધ્યાન આપવામાં આવ્યું નથી.
નવા જોબ ચાર્ટ સામે પણ વિરોધ
મહેસૂલી તલાટીઓ માટે તૈયાર કરવામાં આવેલા નવા જોબ ચાર્ટ સામે પણ કર્મચારીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. કર્મચારીઓનું કહેવું છે કે ફિલ્ડની વાસ્તવિક પરિસ્થિતિ અને કામગીરીની મુશ્કેલીઓને ધ્યાનમાં લીધા વિના જોબ ચાર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત કર્મચારીઓએ ‘ફીડબેક સેન્ટર’ની કામગીરી સામે પણ વિરોધ નોંધાવ્યો છે.
10 દિવસમાં ઉકેલ નહીં આવે તો પેનડાઉન
કર્મચારી મહામંડળ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આવેદનપત્ર બાદ આપવામાં આવેલી 10 દિવસની મહેતલમાં સરકાર તરફથી યોગ્ય ઉકેલ નહીં આવે તો કર્મચારીઓ પેનડાઉન આંદોલન કરશે અને કામગીરીથી અળગા રહેશે.
આ પછી પણ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો 10 સપ્ટેમ્બરથી રાજ્યભરના મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી જશે તેવી ચીમકી આપવામાં આવી છે.
સરકારને અનેક વખત રજૂઆત છતાં ઉકેલ નહીં
મહામંડળના પ્રમુખ જામસંગ પરમારના જણાવ્યા મુજબ, 12 મે 2026થી 18 ઓગસ્ટ 2026 દરમિયાન અધિક મુખ્ય સચિવ ડો. જયંતિ રવિને પાંચ વખત પત્રો લખીને કર્મચારીઓના પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી છે.
આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાને પણ કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે રજૂઆતો કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
કર્મચારીઓનું કહેવું છે કે વારંવારની રજૂઆતો છતાં જો સરકાર દ્વારા પ્રશ્નોનો યોગ્ય ઉકેલ નહીં લાવવામાં આવે તો આગામી દિવસોમાં રાજ્યભરની મહેસૂલી કામગીરી પર તેની સીધી અસર પડી શકે છે અને અનેક સરકારી સેવાઓ ખોરવાઈ જવાની શક્યતા છે.










