દારૂ ભરેલી કાર રાજકોટ પહોંચે તે પહેલાં જ પોલીસનો સપાટો: રૂ.3.57 લાખનો મુદ્દામાલ જપ્ત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

રાજકોટ તરફ દારૂનો જથ્થો લઈ આવી રહેલી કારને રૂરલ એલસીબીની ટીમે ભાડલા નજીક ઝડપી પાડી હતી. કારમાંથી અલગ-અલગ બ્રાન્ડની 684 બોટલ દારૂ મળી આવતાં પોલીસે કારચાલકની ધરપકડ કરી રૂ.3.57 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે દારૂના જથ્થા સાથે સંકળાયેલા અન્ય બે શખ્સો પોલીસને ચકમો આપી ફરાર થઈ જતાં તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

રૂરલ એલસીબી પીઆઈ જે.પી. રાવની રાહબરી હેઠળ પીએસઆઈ પી.એન. ભરવાડ સહિતની ટીમ જસદણ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બોટાદ તરફથી દારૂ ભરેલી કાર રાજકોટ તરફ આવી રહી હોવાની ચોક્કસ બાતમી મળતાં ભાડલાના દહીસરા ગામ નજીક વીરપુર ચોકડી પાસે વોચ ગોઠવવામાં આવી હતી.

દરમિયાન શંકાસ્પદ કાર નંબર GJ-03-JL-0030 ત્યાંથી પસાર થતાં પોલીસે તેને અટકાવી તપાસ હાથ ધરી હતી. કારચાલકની પૂછપરછમાં તેનું નામ રવિ ભીખુ ગિડા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે કારની તલાશી લેતાં અલગ-અલગ બ્રાન્ડની કુલ 684 બોટલ દારૂ મળી આવ્યો હતો.

પોલીસે દારૂની કિંમત રૂ.1.52 લાખ આંકી કાર અને મોબાઇલ સહિત કુલ રૂ.3.57 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. કારચાલક રવિ ગિડા સામે કાર્યવાહી કરી તેની પૂછપરછ કરતાં દારૂનો જથ્થો બોટાદના રતનપર ગામેથી રાજકોટ લઈ આવતો હોવાનું સામે આવ્યું હતું.

પોલીસ પૂછપરછમાં રવિએ જણાવ્યું હતું કે રાજકોટના પ્રતિક ઉર્ફે મયુર બાબુ ગિડા અને પૃથ્વી વલકુ ધાંધલ પણ તેની સાથે દારૂ લેવા ગયા હતા. રાજકોટ પરત ફરતી વખતે બંને આગળ પાયલોટિંગ કરી રહ્યા હતા. જોકે, પોલીસની વોચની જાણ થતાં બંને નાસી છૂટ્યા હતા. બંનેને ઝડપી પાડવા પોલીસે તપાસ તેજ કરી છે.

ખાખીજાળીયામાં ખેતીની આડમાં દારૂનું વેચાણ: 223 બોટલ સાથે ખેડૂત ઝડપાયો

રાજકોટ જિલ્લાના ખાખીજાળીયા ગામની વાહવાડી સીમમાં ભાયાવદર પોલીસે દરોડો પાડી ખેતીકામની આડમાં દારૂનું વેચાણ કરતા શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની વાડીમાંથી વિદેશી દારૂની 223 બોટલ કબજે કરી હતી. દારૂનો જથ્થો સપ્લાય કરનાર શખ્સની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

ભાયાવદર પોલીસ સ્ટેશનના એએસઆઈ શક્તિસિંહ જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે ખાખીજાળીયા ગામની વાહવાડી સીમમાં પોતાની વાડીએ મહાવીરસિંહ ચુડાસમા વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે.

બાતમીના આધારે પોલીસે વાડીમાં દરોડો પાડ્યો હતો. સ્થળ પર હાજર મહાવીરસિંહ ટપુભા ચુડાસમાની પૂછપરછ કર્યા બાદ પોલીસે વાડીની ઓરડીમાં તપાસ કરતાં બે પ્લાસ્ટિકના બાચકા મળી આવ્યા હતા. તપાસ દરમિયાન તેમાંથી વિદેશી દારૂની કુલ 223 બોટલ મળી આવી હતી.

પોલીસે આશરે રૂ.40 હજારની કિંમતનો દારૂનો મુદ્દામાલ કબજે કરી મહાવીરસિંહ ચુડાસમાની ધરપકડ કરી હતી. વધુ પૂછપરછમાં તેણે દારૂનો જથ્થો ઝાંઝમેર ગામના યોગીરાજસિંહ ચુડાસમા પાસેથી લાવતો હોવાની કથિત કબૂલાત કરી હતી. આથી પોલીસે યોગીરાજસિંહને ઝડપી પાડવા માટે શોધખોળ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai