સુરત: વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા અને મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાને કારણે યાર્નના ભાવમાં 30થી 35 ટકા સુધીનો ઉછાળો આવ્યો છે. જેના પગલે સુરતનું પાવરલૂમ અને વિવિંગ સેક્ટર ગંભીર મુશ્કેલીમાં મુકાયું છે.
એક તરફ સુરતમાં કાપડની ઘરાકી નબળી પડી છે, તો બીજી તરફ યાર્નના ભાવમાં સતત વધારો થતાં વિવર્સ પર બેવડો માર પડ્યો છે. વિવર્સ દ્વારા યાર્નના ભાવમાં કૃત્રિમ તેજી ઊભી કરવા માટે કાર્ટેલ રચાતું હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.
યાર્નના ભાવમાં રૂ.45નો વધારો
ફેબ્રુઆરીમાં જે યાર્ન રૂ.110 પ્રતિ કિલો મળતું હતું, તેનો ભાવ હવે વધીને રૂ.155 પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. એટલે કે માત્ર થોડા મહિનામાં યાર્નના ભાવમાં આશરે રૂ.45 પ્રતિ કિલોનો વધારો થયો છે.
યાર્ન મોંઘું થતાં કાપડની પ્રોડક્શન કોસ્ટમાં પણ મોટો વધારો થયો છે. પરિણામે સાડી અને ડ્રેસ મટિરિયલની પડતર કિંમતમાં રૂ.100થી રૂ.150 સુધીનો વધારો થયો છે. જોકે, બજારમાં મોંઘું કાપડ વેચવામાં મુશ્કેલી પડી રહી છે.
મોંઘવારી સાથે પેમેન્ટની સમસ્યા
કાપડની માંગ નબળી હોવા છતાં ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે. બીજી તરફ, વેપારીઓ પાસેથી પેમેન્ટ અટવાઈ જતાં ઉદ્યોગકારો મની ક્રાઇસિસનો સામનો કરી રહ્યા છે. ઉત્પાદન ખર્ચ વધવો અને બજારમાં ઘરાકી ઘટવી—બંને પરિસ્થિતિએ ટેક્સટાઇલ ઉદ્યોગની મુશ્કેલી વધારી છે.
ત્રણ મહિના ટેક્સ મુક્તિની માંગ
આ પરિસ્થિતિમાંથી ટેક્સટાઇલ ઉદ્યોગને બહાર કાઢવા સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરકાર સમક્ષ FDY, DTY અને POY યાર્ન પર ત્રણ મહિના માટે ટેક્સ મુક્તિ આપવાની માંગ કરવામાં આવી છે.
સાથે જ યાર્નના ભાવમાં થતા અયોગ્ય વધારા પર નિયંત્રણ લાવવા માટે સરકારી સ્ક્વોડની રચના કરી ભાવોની દેખરેખ અને નિયંત્રણ કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે.
ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ દેશમાં ખેતી બાદ સૌથી વધુ રોજગારી આપતા ટેક્સટાઇલ ક્ષેત્રને મંદીમાંથી બહાર લાવવા માટે સરકાર દ્વારા તાત્કાલિક રાહત પેકેજ અને ટેક્સમાં છૂટછાટ જાહેર કરવી જરૂરી છે. સરકાર તરફથી ઝડપી રાહત નહીં મળે તો સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગની મુશ્કેલીઓ આગામી સમયમાં વધુ ગંભીર બની શકે છે.










