ગેરકાયદે કબજાઓ દૂર કરી ફૂટપાથ રાહદારીઓ માટે ખુલ્લા રાખવાની માગ
અમદાવાદ: શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂટપાથ પર થયેલા ગેરકાયદે દબાણો અને કબજાઓ દૂર કરવા માટે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી છે. દિલ્હી દરવાજા વિસ્તારના રહેવાસી સર્વરખાન દિલાવરખાન પઠાણ દ્વારા આ અરજી કરવામાં આવી છે.
અરજીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ઔડા, અમદાવાદ સિટી પોલીસ સહિત કુલ 24 પક્ષકારોને સામેલ કરવામાં આવ્યા છે. અરજદારે રજૂઆત કરી છે કે નાગરિકોને સુરક્ષિત અને દબાણમુક્ત ફૂટપાથ પર ચાલવાનો અધિકાર બંધારણની કલમ 21 હેઠળના જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકાર સાથે જોડાયેલો છે.
ફૂટપાથ પર દબાણથી અકસ્માતનું જોખમ
અરજીમાં જણાવાયું છે કે શહેરના અનેક વિસ્તારોમાં વેપારીઓ દ્વારા કરવામાં આવેલા કબજાઓ, વાહનોના પાર્કિંગ તેમજ કાચા-પાકા ગેરકાયદે બાંધકામોના કારણે ફૂટપાથનો ઉપયોગ રાહદારીઓ કરી શકતા નથી.
આવી સ્થિતિમાં સામાન્ય નાગરિકો ઉપરાંત વૃદ્ધો અને દિવ્યાંગોને પણ મુખ્ય રસ્તા પર ચાલવાની ફરજ પડે છે, જેના કારણે અકસ્માતનું જોખમ વધી જાય છે.
દરીયાપુરના દબાણનો પણ ઉલ્લેખ
અરજીમાં દરીયાપુર વિસ્તારમાં આવેલી જમ્બુજી વાળી મસ્જિદ સામેના જાહેર રસ્તા પર થયેલા કથિત દબાણનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અરજદારના જણાવ્યા મુજબ ખાનગી લોકો દ્વારા ગેરકાયદે વીજ જોડાણ મેળવી કાચા બાંધકામો ઊભા કરી ફૂટપાથ પર કબજો કરવામાં આવ્યો છે.
આ અંગે સંબંધિત તંત્ર અને સ્થાનિક જનપ્રતિનિધિઓને વારંવાર લેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં અસરકારક કાર્યવાહી ન થઈ હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.










