વિધાનસભામાં હાજરી ફરજિયાત; ગાંધીનગર નહીં છોડવાની અને મીડિયા સાથે વાતચીત નહીં કરવાની કોર્ટની શરત
અમદાવાદ: ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રમાં હાજરી આપવા માટે આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. હાઈકોર્ટે તેમની હંગામી જામીન અરજી મંજૂર કરીને 7 દિવસના શરતી જામીન આપ્યા છે.
ચૈતર વસાવાએ વિધાનસભાના ચોમાસું સત્રમાં હાજરી આપી પોતાના મતવિસ્તારના પ્રજાકીય પ્રશ્નો રજૂ કરી શકે તે માટે હાઈકોર્ટમાં હંગામી જામીનની અરજી કરી હતી. કોર્ટે અરજી મંજૂર કરતાં તેમના પર કેટલીક મહત્વપૂર્ણ શરતો પણ લાદી છે.
ગાંધીનગર છોડવા પર પ્રતિબંધ
હાઈકોર્ટની શરતો મુજબ જામીનના સમયગાળા દરમિયાન ચૈતર વસાવા ગાંધીનગર છોડી શકશે નહીં. આ ઉપરાંત તેમણે વિધાનસભાના ચોમાસું સત્રમાં ફરજિયાત હાજરી આપવાની રહેશે.
કોર્ટે તેમને મીડિયા સાથે વાતચીત કરવા અથવા કોઈપણ પ્રકારનું જાહેર નિવેદન આપવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે. એટલે કે, સાત દિવસના હંગામી જામીન દરમિયાન તેઓ માત્ર વિધાનસભાની કાર્યવાહી અને કોર્ટ દ્વારા નક્કી કરાયેલી શરતોનું પાલન કરી શકશે.
શું હતો ચૈતર વસાવા સામેનો કેસ?
આ કેસની શરૂઆત વર્ષ 2023માં નર્મદા જિલ્લાના બોગાજ ગામ નજીકના જમીન વિવાદથી થઈ હતી. વન વિભાગની સરકારી જમીન પર સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવેલા અતિક્રમણ અને પાકને વન વિભાગના કર્મચારીઓ દ્વારા હટાવવાના મુદ્દે વિવાદ સર્જાયો હતો.
આ મામલે ચર્ચા કરવા માટે ચૈતર વસાવાએ વન વિભાગના કર્મચારીઓને દેડિયાપાડા ખાતે પોતાના નિવાસસ્થાને બોલાવ્યા હોવાનો આરોપ છે. વન વિભાગની ફરિયાદ મુજબ, આ દરમિયાન ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ચૈતર વસાવા તથા તેમના સમર્થકો દ્વારા વનકર્મીઓ સાથે મારપીટ કરવામાં આવી હતી.
ફરિયાદમાં એવો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો કે સરકારી કર્મચારીઓને ધમકાવવા માટે હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને ખંડણીની માગણી કરવામાં આવી હતી. ત્યારબાદ દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં રાયોટિંગ, આર્મ્સ એક્ટ અને ખંડણી સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
સેશન્સ કોર્ટે 7 વર્ષની સજા ફટકારી હતી
આ કેસમાં 23 જૂન 2026ના રોજ નર્મદા જિલ્લાના રાજપીપળાની એડિશનલ સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો હતો. કોર્ટે ચૈતર વસાવા, તેમના પત્ની શકુંતલા વસાવા સહિત કુલ 9 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા.
કોર્ટે તમામને 7 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. આ ઉપરાંત આરોપીઓને તેમની ભૂમિકા મુજબ રૂ.25 હજારથી રૂ.96 હજાર સુધીનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.
હવે વિધાનસભાના ચોમાસું સત્રમાં હાજરી આપવા માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચૈતર વસાવાને સાત દિવસના હંગામી જામીન મળતાં તેમને મોટી કાનૂની રાહત મળી છે.