રાજકોટ ડિવિઝનમાં RPFની દમદાર કામગીરીઃ 28 મુસાફરોનો રૂ.2.59 લાખનો સામાન પરત, 6 લોકોને પરિવાર સાથે મિલન કરાવ્યું

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ઓગસ્ટમાં ‘સેવા હી સંકલ્પ’ હેઠળ સુરક્ષા સાથે માનવતાનું ઉત્તમ ઉદાહરણ; ચેઇન પુલિંગના 28 કેસમાં 18 આરોપીઓ ઝડપાયા

રાજકોટ: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં રેલવે સુરક્ષા દળ (RPF) દ્વારા ઓગસ્ટ દરમિયાન સુરક્ષા, મુસાફર સેવા અને જનજાગૃતિના ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરવામાં આવી હતી. ‘સેવા હી સંકલ્પ’ અંતર્ગત 1થી 31 ઓગસ્ટ દરમિયાન RPFએ મુસાફરોની મદદ કરવાની સાથે રેલવે સંપત્તિની સુરક્ષા અને રેલ વ્યવહારને અસર કરતી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે પણ કડક કાર્યવાહી કરી હતી.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા મુજબ, IG-સહ-પ્રધાન મુખ્ય સુરક્ષા આયુક્ત અજય સદાનીના નેતૃત્વ અને ડિવિઝન સુરક્ષા આયુક્ત કમલેશ્વર સિંહના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરાઈ હતી.

‘ઓપરેશન અમાનત’માં 28 મુસાફરોને રાહત

ટ્રેન કે રેલવે સ્ટેશન પર મુસાફરોનો છૂટી ગયેલો સામાન સુરક્ષિત રીતે પરત અપાવવાના ‘ઓપરેશન અમાનત’ હેઠળ RPFએ ઉત્તમ કામગીરી કરી હતી. ઓગસ્ટ દરમિયાન 28 મુસાફરોનો રૂ.2,59,215ની કિંમતનો સામાન રિકવર કરીને મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો.

6 લોકોને પરિવાર સાથે મિલન કરાવ્યું

‘ઓપરેશન નન્હે ફરીશ્તે’ અંતર્ગત એક બાળકને સુરક્ષિત રીતે તેના પરિવારજનો સુધી પહોંચાડવામાં આવ્યું હતું.

આ ઉપરાંત ‘ઓપરેશન ડિગ્નિટિ’ હેઠળ પરિવારથી વિખૂટા પડી ગયેલા અથવા અલગ થઈ ગયેલા 5 લોકોને તેમના પરિજનો સાથે ફરીથી મિલન કરાવવામાં આવ્યું હતું. આમ, બંને કામગીરી હેઠળ કુલ 6 લોકોને તેમના પરિવાર સુધી પહોંચાડવામાં સફળતા મળી.

ચેઇન પુલિંગ કરનારાઓ સામે કાર્યવાહી

ટ્રેનના સમયસર અને સુચારુ સંચાલનમાં અડચણરૂપ બનતા અનધિકૃત ચેઇન પુલિંગ સામે ‘ઓપરેશન સમય પાલન’ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી.

ઓગસ્ટમાં રાજકોટ ડિવિઝન વિસ્તારમાં પેસેન્જર ટ્રેનોમાં ચેઇન પુલિંગના 28 કેસ નોંધાયા, જેમાં 18 આરોપીઓની અટકાયત કરવામાં આવી. તમામ સામે રેલવે એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ.

રેલવે સંપત્તિની ચોરીમાં 2 આરોપી ઝડપાયા

‘ઓપરેશન રેલ સુરક્ષા’ હેઠળ રેલવે સંપત્તિ ચોરીના એક કેસમાં 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. બંને સામે નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.

જનજાગૃતિ માટે RPFની વ્યાપક ઝુંબેશ

‘ઓપરેશન જનજાગરણ’ હેઠળ રાજકોટ ડિવિઝનની વિવિધ RPF પોસ્ટ અને ચોકીઓ દ્વારા મુસાફરો તથા સામાન્ય નાગરિકોમાં રેલવે સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી.

બેનર, પોસ્ટર અને પબ્લિક એનાઉન્સમેન્ટ દ્વારા લોકોને રેલવે લાઇન ક્રોસ ન કરવી, ચાલુ ટ્રેન પર પથ્થરમારો ન કરવો, નશાથી દૂર રહેવું, મહિલા સુરક્ષા અને માનવ તસ્કરી જેવા મુદ્દાઓ અંગે સમજ આપવામાં આવી હતી. ગામના સરપંચો અને આગેવાનો સાથે બેઠકો યોજીને પણ સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી.

DRMએ RPFની કામગીરીને બિરદાવી

રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલ પ્રબંધક ગિરીરાજ કુમાર મીનાએ RPFની કામગીરીની પ્રશંસા કરતાં જણાવ્યું કે મુસાફરોની સુરક્ષા અને સુવિધા સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ‘સેવા હી સંકલ્પ’ની ભાવના સાથે RPF દ્વારા સુરક્ષા, મુસાફર સહાય અને જનજાગૃતિ માટે કરવામાં આવતા પ્રયાસો પ્રશંસનીય છે અને સુરક્ષિત તથા સુગમ રેલ મુસાફરી માટે આવા પ્રયાસો સતત ચાલુ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai