અમદાવાદ: પાલડીમાં આવેલી જાણીતી શેઠ આણંદજી કલ્યાણજી પેઢીમાં છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. પેઢીના જીર્ણોદ્ધાર વિભાગમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા કર્મચારીએ દેરાસર નિર્માણ અને રિપેરિંગની ગ્રાન્ટની ફાઇલ મંજૂર કરાવવાના બહાને વિવિધ જૈન સંઘો પાસેથી કુલ રૂ.1.35 લાખ મેળવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે.
આ અંગે પેઢીના જનરલ મેનેજર નૈમિષ ભરતકુમાર શાહે કર્મચારી કેવિન નીતિનભાઈ શાહ વિરુદ્ધ પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આંગડિયા મારફતે રૂ.1 લાખ મેળવ્યા
કડીમાં રહેતો કેવિન શાહ 1 એપ્રિલ 2024થી શેઠ આણંદજી કલ્યાણજી પેઢીમાં નોકરી કરતો હતો. તેની જવાબદારી દેરાસરો અને જૈન સંઘો દ્વારા કરવામાં આવેલી ગ્રાન્ટની અરજીઓ ટ્રસ્ટીઓ સમક્ષ મંજૂરી માટે રજૂ કરવાની હતી.
આ દરમિયાન મહેસાણાના જાખાણા જૈન શાંતિનાથ ટ્રસ્ટની રૂ.72 લાખની મંજૂર થયેલી ગ્રાન્ટની બાકી રકમની ફાઇલ ક્લિયર કરાવવાના બહાને કેવિને મુંબઈ બોરીવલીના વિનોદભાઈ જે. શાહ મારફતે આંગડિયા દ્વારા રૂ.1 લાખ મેળવ્યા હોવાનો આક્ષેપ છે.
દર મહિને રૂ.5 હજાર લેતો હોવાનો ખુલાસો
પોલીસ ફરિયાદ મુજબ, આરોપીએ મધ્યપ્રદેશના કુકલાહ જૈન સંઘ પાસેથી પણ ફાઇલ ક્લિયર કરાવવાના નામે છેલ્લા સાત મહિનાથી દર મહિને રૂ.5 હજાર લેખે કુલ રૂ.35 હજાર પોતાના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા.
આમ, બંને સંઘ પાસેથી કુલ રૂ.1.35 લાખ મેળવ્યા હોવાનો મામલો સામે આવ્યો છે.
વોટ્સએપ પર આવેલી આંગડિયા સ્લિપથી ભાંડો ફૂટ્યો
3 સપ્ટેમ્બરે ટ્રસ્ટી સુદીપભાઈ સનતકુમાર શાહના મોબાઇલ પર સુરતથી સ્વયંસેવક નીરવભાઈએ આંગડિયા પેઢીની કાઉન્ટર સ્લિપ વોટ્સએપ પર મોકલી હતી. સ્લિપમાં મુંબઈથી કેવિન શાહના નામે રૂ.1 લાખ મોકલવામાં આવ્યા હોવાનું સ્પષ્ટ થતાં ટ્રસ્ટીઓને સમગ્ર મામલે શંકા ગઈ હતી.
ટ્રસ્ટીઓએ કેવિનને બોલાવી પૂછપરછ કરતાં તેણે શરૂઆતમાં આનાકાની કરી હતી. જોકે, માતા-પિતાની હાજરીમાં પૂછપરછ થતાં તેણે આંગડિયા મારફતે મેળવેલા રૂ.1 લાખ ઉપરાંત મધ્યપ્રદેશના જૈન સંઘ પાસેથી લીધેલા રૂ.35 હજારની પણ કબૂલાત કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
સમગ્ર મામલો સામે આવ્યા બાદ પેઢીના જનરલ મેનેજરે પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે છેતરપિંડીના ગુના હેઠળ કેસ દાખલ કરી આરોપી પાસેથી નાણાંની લેવડદેવડ અને સમગ્ર પ્રકરણમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી છે.










