વેલ્યુ ટ્રેડ એપના નામે સોફ્ટવેર ઈજનેર સાથે ₹12 લાખની છેતરપિંડી, ફોરેક્સ ટ્રેડિંગમાં નફાની લાલચ આપી ઠગાઈ

રાજકોટ: શહેરના તિરૂપતીનગર વિસ્તારમાં રહેતા 63 વર્ષીય સોફ્ટવેર ઈજનેર સાથે ફોરેક્સ ટ્રેડિંગમાં મોટો નફો કમાવવાની લાલચ આપી સાયબર ઠગોએ ₹12 લાખની છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે. ઈન્સ્ટાગ્રામ પર આવેલા એક પેજ મારફતે સંપર્ક કર્યા બાદ આરોપીઓએ વોટ્સએપ અને ફોન દ્વારા વાતચીત કરી ‘વેલ્યુ ટ્રેડ’ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. એપમાં નફો દર્શાવી વધુ રોકાણ કરાવ્યા બાદ રકમ ઉપાડવા ન દેતા સમગ્ર મામલો સાયબર ક્રાઈમ પોલીસ સુધી પહોંચ્યો છે.

ઈન્સ્ટાગ્રામથી સંપર્ક, એપ ડાઉનલોડ કરાવી

ફરિયાદી નવીનચંદ્ર રતનસી ચાવડા સોફ્ટવેર ડેવલપમેન્ટનું કામ કરે છે અને રેસકોર્સ રિંગ રોડ પર આવેલી જી.ટી. શેઠ હોસ્પિટલમાં ઓર્થોપેડિક સાધનોના વિભાગની જવાબદારી પણ સંભાળે છે. 3 ઓગસ્ટે તેઓ ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરી રહ્યા હતા ત્યારે એક અજાણ્યું પેજ ખોલ્યા બાદ બીજા દિવસે 7066657182 નંબર પરથી શિવમ નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો.

આરોપીએ ફરિયાદીને એક લિંક મોકલી હતી, જે ડાઉનલોડ કર્યા બાદ એપ્લિકેશનનો સ્ક્રીનશોટ પણ મોકલાવવામાં આવ્યો હતો. ત્યારબાદ વોટ્સએપ પર ‘વેલ્યુ ટ્રેડ’ અંગેની માહિતી મોકલી ઓટો ટ્રેડિંગ અને વધુ નફાની વાતો કરવામાં આવી હતી.

₹1,000થી શરૂઆત કરી લાખોનું રોકાણ કરાવ્યું

આરોપીઓએ ફરિયાદી પાસેથી નામ, ઈ-મેલ, બેંક ખાતાની વિગતો, IFSC કોડ, સરનામું સહિતની વિવિધ માહિતી માગી હતી. ત્યારબાદ જરૂરી દસ્તાવેજો ઈ-મેલ પર મોકલાવ્યા બાદ પ્રથમ ₹1,000 અને ત્યારબાદ ₹49,000 ટ્રાન્સફર કરાવ્યા હતા.

એપ્લિકેશનમાં રોકાણ કરેલી રકમ સાથે નફો પણ દેખાડવામાં આવતો હોવાથી ફરિયાદીને વધુ રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શિવમ ઉપરાંત પ્રતીક નામના વ્યક્તિએ પણ વોટ્સએપ કોલ અને મેસેજ મારફતે વધુ પૈસા રોકવા અને મોટો નફો મેળવવાની લાલચ આપી હતી.

₹6 લાખના રોકાણની માગ, બોનસની પણ લાલચ

27 ઓગસ્ટે ફરિયાદીને વધુ ₹6 લાખ રોકવા જણાવાયું હતું. કંપની તરફથી 25 હજાર ડોલરનું બોનસ મળશે તેવી વાત પણ કરવામાં આવી હતી. ફરિયાદીએ વધુ પૈસા ન હોવાનું જણાવતાં ₹1.50 લાખનું રોકાણ કરવાથી એપમાં 2,500 ડોલરનું બોનસ જમા કરાવવાની લાલચ આપવામાં આવી હતી.

એપમાં દરરોજ સારો નફો દેખાડવામાં આવતો હોવાથી ફરિયાદીને વિશ્વાસ બેસી ગયો હતો. બાદમાં તેમણે લગભગ 35 હજાર ડોલર ઉપાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ રકમ બેંક ખાતામાં જમા થઈ નહોતી.

રકમ ઉપાડવા માટે પણ વધુ પૈસાની માગણી

રકમ ઉપાડવા અંગે શિવમનો સંપર્ક કરતાં પ્રતીક સાથે વાત કરાવવામાં આવી હતી. આરોપીઓએ કંપનીના શેરના 10 ટકા મુજબ આશરે ₹3.50 લાખ વધુ જમા કરાવ્યા બાદ જ વિડ્રો પેમેન્ટ મળશે તેમ જણાવ્યું હતું. ફરિયાદીએ વધુ પૈસા આપવાનો ઈનકાર કરતાં ₹2 લાખ જમા કરાવવાની પણ ઓફર કરવામાં આવી હતી.

ફરિયાદી મુજબ 12 ઓગસ્ટથી 27 ઓગસ્ટ 2026 દરમિયાન કુલ 7 બેંક ટ્રાન્ઝેક્શન મારફતે અલગ-અલગ બેંક ખાતામાં કુલ ₹12 લાખ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

આખરે રોકાણ કરેલી રકમ અને એપમાં દેખાડવામાં આવેલો નફો પરત ન મળતાં ફરિયાદીએ સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે અલગ-અલગ બેંક ખાતાના ધારકો તેમજ શિવમ, પ્રતીક સહિતના શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આરોપીઓને ઝડપી પાડવા પોલીસે કાર્યવાહી તેજ કરી છે.

United Times
Author: United Times

DAILY NEWS

Leave a Comment