ઓક્ટોબર બાદ સ્થિતિની સમીક્ષા કરીને સરકાર નિર્ણય લેશે
ગાંધીનગર : ગુજરાતમાં આ વર્ષે વરસાદની અનિયમિતતા અને દક્ષિણ ગુજરાત સિવાયના અનેક વિસ્તારોમાં વરસાદની ખાધ વચ્ચે રાજ્યમાં દુષ્કાળ જાહેર કરવો કે નહીં તે અંગે સરકાર ઓક્ટોબર બાદ નિર્ણય લેશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે માત્ર વરસાદની અસમાનતા કે વરસાદના વિચલનના આધારે દુષ્કાળ જાહેર કરી શકાય નહીં.
કોંગ્રેસના ધારાસભ્ય ડો. તુષાર ચૌધરી દ્વારા નિયમ 116 હેઠળ પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના ‘ડ્રોટ મેનેજમેન્ટ મેન્યુઅલ-2016’ની જોગવાઈ મુજબ દુષ્કાળ નક્કી કરવા માટે વરસાદ ઉપરાંત વાવેતર વિસ્તાર, જમીનમાં ભેજ અને ભૂગર્ભ જળસ્તર જેવા વિવિધ સૂચકાંકોને ધ્યાનમાં લેવામાં આવે છે.
ખરીફ ઋતુના અંતે અને લણણી પહેલાં એટલે કે 31 ઓક્ટોબર સુધીમાં અસરગ્રસ્ત ગામોમાં GPS તથા સ્માર્ટફોન એપ્લિકેશન મારફતે પાકની સ્થિતિની ભૌતિક ચકાસણી કરવામાં આવશે. પાકને થયેલા નુકસાનના આધારે દુષ્કાળ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.
સરકારે જણાવ્યું કે દુષ્કાળની સ્થિતિ ઊભી થાય તો ઘાસચારાનું રાહતદરે વિતરણ, પીવા અને સિંચાઈના પાણીની વ્યવસ્થા તથા પૂરતી વીજળી ઉપલબ્ધ કરાવવા સહિતના પગલાં લેવામાં આવશે. જોકે, પરિસ્થિતિને અનુરૂપ રાજ્યના હિતમાં જરૂરી નિર્ણય સરકાર લેશે.
3 સપ્ટેમ્બરની સ્થિતિ મુજબ ગુજરાતમાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ 75.43 ટકા નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં 103.91 ટકા વરસાદ થયો છે, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની અસમાનતા જોવા મળી છે. દેવભૂમિ દ્વારકામાં 6.41 ટકા, પોરબંદરમાં 18.21 ટકા, જામનગરમાં 28.88 ટકા અને કચ્છમાં 29.29 ટકા વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનું 94.24 ટકા વાવેતર થયું છે. તેમાં મગફળીનું 107.99 ટકા, કઠોળનું 107.17 ટકા, સોયાબીનનું 104.04 ટકા, ડાંગરનું 101.45 ટકા અને કપાસનું 90.07 ટકા વાવેતર થયું છે.
પાણીની સ્થિતિ અંગે સરકારે જણાવ્યું કે નર્મદા ડેમમાં 88.90 ટકા પાણી ઉપલબ્ધ છે, જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં 66.07 ટકા પાણીનો જથ્થો છે. નર્મદા બેસીનમાંથી પીવાના પાણી માટે જથ્થો અનામત રાખીને નર્મદા કમાન્ડ વિસ્તારમાં 17.38 લાખ હેક્ટર ખરીફ પાક માટે સિંચાઈનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
સૌની યોજના અને સુફલામ સુજલામ યોજના મારફતે પીવાના તથા સિંચાઈના પાણીનું વિતરણ ચાલુ છે. ઉભા પાકને બચાવવા જરૂરિયાતવાળા જિલ્લાઓમાં સામાન્ય 8 ટકાની જગ્યાએ 10 ટકા સુધી વીજળી ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.










