ટૂંકા ચોમાસુ સત્રમાં લોકહિતના મહત્વના નિર્ણયો : 52 ધારાસભ્યોએ ચર્ચામાં લીધો ભાગ
ગાંધીનગર, તા. 12
ગુજરાત વિધાનસભાનું 15મી વિધાનસભાનું નવમું અને ત્રણ દિવસીય ચોમાસુ સત્ર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું હતું. ત્રણ દિવસ દરમિયાન ગૃહની કુલ 3 બેઠકો મળી હતી અને 18 કલાક 32 મિનિટ સુધી કામગીરી હાથ ધરાઈ હતી. આ દરમિયાન રાજ્યના વિકાસ અને પ્રજાકલ્યાણ સાથે જોડાયેલા 7 સરકારી વિધેયકો માત્ર બે દિવસમાં પસાર કરવામાં આવ્યા હતા.
સત્રની સફળ સમાપ્તિ બાદ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પક્ષ-વિપક્ષના ધારાસભ્યો તથા સરકારી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.
સત્ર દરમિયાન ગૃહની વિવિધ ચર્ચાઓમાં કુલ 52 ધારાસભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. નિયમ-44 હેઠળ જાહેર અગત્યની બાબત પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગૃહમાં નિવેદન આપ્યું હતું. સત્રના અંતિમ દિવસે નિયમ-102 હેઠળ ‘જનજાતીય કલ્યાણ યોજના’ અંગે વિશેષ ચર્ચા પણ હાથ ધરાઈ હતી. નિયમ-116 હેઠળ જાહેર અગત્યની બાબત પર મંત્રી દ્વારા નિવેદન કરવામાં આવ્યું હતું.
પ્રશ્નોત્તરીમાં 1,356 તારાંકિત પ્રશ્નો
સત્ર દરમિયાન પ્રશ્નોત્તરી કાળમાં મૌખિક જવાબો માટે કુલ 1,356 તારાંકિત પ્રશ્નો રજૂ થયા હતા. તેમાંથી 29 પ્રશ્નો પર ગૃહમાં મૌખિક ચર્ચા થઈ હતી. ઉપરાંત, 152 અતારાંકિત પ્રશ્નો મળ્યા હતા અને નિયમ-87(ક) હેઠળ 88 અતારાંકિત પ્રશ્નો ગૃહના મેજ પર મૂકવામાં આવ્યા હતા.
સત્ર દરમિયાન વિવિધ સમિતિઓના 5 અહેવાલો ગૃહ સમક્ષ રજૂ થયા હતા. સરકારી કંપનીઓ, બોર્ડ અને કોર્પોરેશનોના 23 અહેવાલો તથા 1 અંદાજપત્ર પણ ગૃહના મેજ પર મૂકવામાં આવ્યા હતા.
આ ઉપરાંત, 69 અધિસૂચનાઓ, 2 વટહુકમ, 1 બાંહેધરી પત્રક તથા ‘જલ જીવન મિશન’ અંગેનો CAGનો ઓડિટ અહેવાલ પણ રજૂ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિની અનુમતિ મળેલ 1 વિધેયક અને રાજ્યપાલની અનુમતિ મળેલ 5 વિધેયકો પણ ગૃહના મેજ પર મૂકાયા હતા.
5,246 પ્રેક્ષકોએ વિધાનસભાની મુલાકાત લીધી
વિધાનસભાની કામગીરી અને લોકશાહીની પ્રક્રિયા નિહાળવા માટે રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી કુલ 5,246 જેટલા પ્રેક્ષકોએ વિધાનસભાની મુલાકાત લીધી હતી.
ટુકડા ધારામાં મોટો સુધારો : શહેરી વિસ્તારોને મુક્તિ
1948થી આજદિન સુધીના જૂના ભંગ દંડ વિના નિયમબદ્ધ થશે
ગુજરાત વિધાનસભામાં આઝાદી બાદ પ્રથમવાર ટુકડા ધારા-1947માં વ્યાપક સુધારા કરતું વિધેયક પસાર કરવામાં આવ્યું છે. આ સુધારા સાથે જમીનના ટુકડા અંગે છેલ્લા 75 વર્ષથી ચાલી રહેલી અનેક જટિલતાઓનો અંત લાવવાનો સરકારનો દાવો છે.
સુધારા મુજબ વર્ષ 1948થી નવા કાયદાના અમલ સુધી ટુકડા ધારાના નિયમોના ભંગના જૂના કિસ્સાઓને કોઈપણ પ્રકારનો દંડ વસૂલ્યા વિના નિયમબદ્ધ એટલે કે રેગ્યુલાઈઝ કરવામાં આવશે.
વિધેયકમાં ઉમેરાયેલી નવી કલમ 5(4) હેઠળ રાજ્ય સરકારે લોકલ એરિયામાં એકસમાન 10 ગુંઠા એટલે કે 1,012 ચોરસ મીટરનું ક્ષેત્રફળ નક્કી કર્યું છે.
લાખો જમીનધારકોને રાહતનો દાવો
ગૃહમાં વિધેયક રજૂ કરતાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આ સુધારાથી જમીનની લે-વેચમાં રહેલી સ્થાનિક ગૂંચવણો દૂર થશે. શહેરી વિસ્તારોને ટુકડા ધારાની અસરથી સંપૂર્ણ મુક્તિ મળશે અને રાજ્યના સર્વાંગી વિકાસને ગતિ મળશે.
સરકારના નિર્ણયથી રાજ્યના લાખો ખેડૂતો અને જમીનધારકોને રાહત મળવાની શક્યતા છે. અત્યાર સુધી જમીનના નિયમ કરતા નાના ટુકડા પડ્યા હોય અથવા ટુકડા ધારાનો ભંગ થયો હોય તેવા કિસ્સામાં જંત્રીના 10 ટકા જેટલી પેનલ્ટી ભર્યા બાદ પણ વ્યવહાર સંપૂર્ણ કાયદેસર બનતો નહોતો અને અનેક કિસ્સાઓ ‘ફોક’ ગણાતા હતા.
જૂના રેવન્યુ કેસોના નિકાલનો માર્ગ ખુલશે
સરકારના જણાવ્યા મુજબ નવા સુધારાથી હજારો બોનાફાઇડ ખરીદદારોના જમીન ટાઇટલ ક્લિયર થવામાં મદદ મળશે. વર્ષોથી રેવન્યુ કોર્ટમાં ચાલી રહેલા જમીન સંબંધિત કેસોના કાયમી નિકાલ માટે પણ આ સુધારો મહત્વપૂર્ણ બની શકે છે.
આમ, ત્રણ દિવસના ટૂંકા ચોમાસુ સત્રમાં એક તરફ 7 મહત્વના વિધેયકો પસાર થયા તો બીજી તરફ ટુકડા ધારામાં લાંબા સમય બાદ કરવામાં આવેલા મોટા સુધારાથી રાજ્યના જમીનધારકો અને ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.










