‘તારીખ પર તારીખ નહીં, રવિવારની રજા, 8 કલાકની શિફ્ટ અને પૂરો પગાર જોઈએ’ : 30 સપ્ટેમ્બર સુધી માંગ નહીં સંતોષાય તો ભૂખ હડતાળની ચીમકી
સુરત: સુરતમાં શ્રમિકોના લાંબા સમયથી ચાલી રહેલા આંદોલને આજે વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. વિવિધ GIDC વિસ્તારમાં એમ્બ્રોઈડરી કારખાનાઓમાં કામ કરતા શ્રમિકોએ મોટી સંખ્યામાં જિલ્લા કલેક્ટર કચેરીને ઘેરી ભારે વિરોધ નોંધાવ્યો હતો. શ્રમિકોએ રવિવારની રજા, 8 કલાકની શિફ્ટ અને પૂરો પગાર સહિતની માંગણીઓ સાથે તંત્ર સામે મોરચો માંડ્યો હતો.
પ્રદર્શન દરમિયાન એક શ્રમિકે પોલીસ પર ફોટા પાડીને ધમકી આપવાનો આક્ષેપ કરતાં વાતાવરણ તંગ બન્યું હતું. આ દરમિયાન પોલીસ અધિકારીએ હાથમાં દંડો લઈને કાયદો-વ્યવસ્થા જાળવવા ચેતવણી આપી હતી અને પરિસ્થિતિ વધુ વણસે તો ઘર્ષણ તથા FIRની કાર્યવાહી થઈ શકે તેવી વાત કરી હતી. બાદમાં શ્રમિક આગેવાનો અને અધિકારીઓની સમજાવટ બાદ શ્રમિકો પરત ફર્યા હતા.
દોઢ મહિનાથી 10 લાખથી વધુ શ્રમિકોની લડત
સુરતની વિવિધ GIDCમાં એમ્બ્રોઈડરી ઉદ્યોગ સાથે સંકળાયેલા 10 લાખથી વધુ શ્રમિકો છેલ્લા દોઢ મહિનાથી અઠવાડિયામાં એક દિવસની રજા અને રજાના દિવસનું સંપૂર્ણ વેતન આપવા સહિતની માંગ સાથે આંદોલન ચલાવી રહ્યા છે.
આ વિરોધની શરૂઆત 16 ઓગસ્ટે અમરોલીના વેદાંતા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી થઈ હતી. ત્યારબાદ આંદોલન અંજની ઇન્ડસ્ટ્રીઝ, કતારગામ, સચિન GIDC, પીપોદરા અને કડોદરા સહિતના ઔદ્યોગિક વિસ્તારો સુધી ફેલાયું હતું. અનેક સ્થળોએ શ્રમિકોએ કામકાજ બંધ કરાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
પોલીસ પણ દોઢ મહિનાથી એલર્ટ
શ્રમિકોના આંદોલન દરમિયાન કેટલાક વિસ્તારોમાં તંગદિલીની સ્થિતિ સર્જાઈ હતી. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસને તૈનાત કરવી પડી હતી. ખાસ કરીને રવિવારના દિવસોમાં શ્રમિકોની રજા અને વિરોધને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ સતત એલર્ટ પર રહી છે.
30 સપ્ટેમ્બર સુધીનો સમય : નહીં તો ભૂખ હડતાળ
શ્રમિકો દ્વારા અગાઉ આપવામાં આવેલી રજૂઆતની મુદત પૂર્ણ થઈ હોવા છતાં તંત્ર તરફથી સંતોષકારક કાર્યવાહી કે જવાબ ન મળતા રોષ વધુ ઉગ્ર બન્યો છે. હવે શ્રમિકોએ 30 સપ્ટેમ્બર સુધીમાં માંગણીઓનું નિરાકરણ નહીં આવે તો ભૂખ હડતાળ અને ધરણા પર બેસવાની ચીમકી આપી છે.
મજદૂર યુનિયનના પ્રતિનિધિ અજય ડી. દુબેએ જણાવ્યું હતું કે શ્રમિકોના ન્યાયી હકો અને માંગણીઓ અંગે 30 સપ્ટેમ્બર સુધી યોગ્ય નિર્ણય નહીં લેવાય તો વૈધાનિક અધિકારોનો ઉપયોગ કરીને ભૂખ હડતાળ અને ધરણા કરવાની ફરજ પડશે. આંદોલન વધુ ઉગ્ર બને તે પહેલાં તંત્ર દ્વારા યોગ્ય ઉકેલ લાવવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે.