કોન્સ્ટેબ્યુલરીની 11 હજારથી વધુ ભરતી અંતિમ તબક્કામાં : 10,930 ઉમેદવારોના પેપર-2ની ચકાસણી ચાલુ, વધુ 3 હજાર ભરતી ઓક્ટોબરમાં
અમદાવાદ: ગુજરાત પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ ઝડપથી ભરવા અંગે ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે મહત્વનું એફિડેવિટ રજૂ કર્યું છે. સરકાર દ્વારા પોલીસ વિભાગમાં ચાલી રહેલી ભરતી પ્રક્રિયા તેમજ આગામી ભરતી અંગે હાઇકોર્ટ સમક્ષ વિગતવાર માહિતી રજૂ કરવામાં આવી છે.
સરકારે જણાવ્યું છે કે ગુજરાત પોલીસ દળમાં પ્રમોશનલ અને ડાયરેક્ટ ભરતી, બંને સ્તરે પ્રક્રિયા ચાલી રહી છે. ખાસ કરીને કોન્સ્ટેબ્યુલરી સંવર્ગની 11 હજારથી વધુ જગ્યાઓની ભરતી પ્રક્રિયા અંતિમ તબક્કામાં હોવાનું એફિડેવિટમાં જણાવાયું છે.
10,930 ઉમેદવારોના પેપર-2ની ચકાસણી ચાલુ
સરકાર દ્વારા હાઇકોર્ટમાં રજૂ કરાયેલી વિગતો મુજબ પેપર-1 (MCQ)ની પરીક્ષામાં સફળ થયેલા 10,930 ઉમેદવારોના પેપર-2 એટલે કે વર્ણનાત્મક પરીક્ષાના ઉત્તરવહીઓની ચકાસણી હાલમાં ચાલી રહી છે.
પેપર-2ની ચકાસણી પૂર્ણ થયા બાદ પરિણામ જાહેર કરવામાં આવશે. પરિણામમાં સફળ થનારા ઉમેદવારો માટે ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ રીતે ભરતી પ્રક્રિયાને આગામી તબક્કામાં આગળ ધપાવવામાં આવશે.
પ્રમોશનથી 697 જગ્યાઓ ભરાઈ
એફિડેવિટમાં જણાવ્યા મુજબ ગુજરાત પોલીસ વિભાગમાં અત્યાર સુધીમાં 697 જેટલી જગ્યાઓ પ્રમોશનના આધારે ભરવામાં આવી છે. પોલીસ દળમાં ખાલી જગ્યાઓ ભરવા માટે પ્રમોશનલ તેમજ સીધી ભરતીની પ્રક્રિયા સાથે-સાથે આગળ વધારવામાં આવી રહી છે.
વધુ 3 હજાર ભરતી માટે માગણીપત્ર
સરકારે હાઇકોર્ટને વધુમાં જણાવ્યું છે કે ગુજરાત પોલીસ વિભાગમાં વધુ 3 હજાર ઉમેદવારોની ભરતી કરવા માટે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડને માગણીપત્ર મોકલી દેવામાં આવ્યું છે. આ ભરતી પ્રક્રિયા ઓક્ટોબર 2026માં યોજવાની માહિતી પણ સરકાર તરફથી આપવામાં આવી છે.
હાઇકોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી
સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટે પોલીસ દળમાં ખાલી જગ્યાઓ ભરવા અંગે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. હાઇકોર્ટે જણાવ્યું હતું કે પોલીસ દળમાં માત્ર ખાલી જગ્યાઓ ભરવી પૂરતી નથી, પરંતુ રાજ્યની વસ્તીના પ્રમાણમાં પોલીસ બળ વધારવું પણ જરૂરી છે.
નાગરિકોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની અસરકારક જાળવણી માટે દર 1,000 લોકો સામે પર્યાપ્ત પોલીસ કર્મચારીઓ ઉપલબ્ધ હોવા જરૂરી હોવાનું હાઇકોર્ટે નોંધ્યું હતું. આથી આગામી સમયમાં પોલીસ દળમાં ભરતી અને માનવબળ વધારવાનો મુદ્દો વધુ મહત્વનો બની શકે છે.