સરદાર સરોવર ડેમ 93 ટકાથી વધુ ભરાયો : ગુજરાત માટે મોટી રાહત

ઉપરવાસમાંથી સતત પાણીની આવક : નર્મદા ડેમની જળસપાટી 136.64 મીટરે પહોંચી, પીવાના પાણીની ચિંતા ઘટી

અમદાવાદ: ગુજરાતમાં ચોમાસું ધીમું પડતાં વરસાદ ખેંચાવાની ચિંતા વચ્ચે રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતની જીવાદોરી ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવક થઈ રહી છે, જેના પગલે ડેમ 93 ટકાથી વધુ ભરાઈ ગયો છે.

રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઓછું રહેવાની સ્થિતિ વચ્ચે નર્મદા ડેમમાં નોંધપાત્ર જળસંગ્રહ ગુજરાત માટે મોટું રાહતકારક પરિબળ બની શકે છે. ડેમમાં પાણીનો સંગ્રહ 90 ટકાને પાર કરી હવે 93.23 ટકા સુધી પહોંચી ગયો છે. આ જળસંગ્રહના કારણે રાજ્યમાં પીવાના પાણીની જરૂરિયાતને પહોંચી વળવામાં મોટી રાહત મળવાની શક્યતા છે.

જળસપાટી 136.64 મીટરે પહોંચી

સરદાર સરોવર ડેમની હાલની જળસપાટી 136.64 મીટર નોંધાઈ છે. જ્યારે ડેમની મહત્તમ જળસપાટી 137.68 મીટર છે. એટલે ડેમ મહત્તમ સપાટીથી આશરે 1.04 મીટર નીચે છે.

ડેમમાં હાલ કુલ 8819.40 મિલિયન ક્યુબિક મીટર જેટલો જળસંગ્રહ હોવાનું જણાવાયું છે. આમ, ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાના 93.23 ટકા જેટલો ભરાઈ ગયો છે.

ઉપરવાસમાંથી સતત પાણીની આવક

નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી હાલ આશરે 68,716 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે. પાણીની આ સતત આવકને કારણે ડેમની જળસપાટીમાં વધુ વધારો થવાની શક્યતા પણ જોવાઈ રહી છે.

ગુજરાતમાં ચોમાસું ધીમું પડ્યું હોવા છતાં નર્મદા ડેમમાં રહેલો મોટો જળસંગ્રહ રાજ્ય માટે મહત્વપૂર્ણ બની રહ્યો છે. ખાસ કરીને પીવાના પાણીની જરૂરિયાતને ધ્યાનમાં લેતા ડેમનું 93 ટકાથી વધુ ભરાવું ગુજરાત માટે મોટી રાહત સમાન છે.

United Times
Author: United Times

DAILY NEWS

Leave a Comment