જીઓપોલિમર પદ્ધતિથી ક્ષતિગ્રસ્ત ભાગનું જ સમારકામ : ટ્રાફિક ઝડપથી શરૂ થશે, પાણી-મજૂરીની બચત સામે ખર્ચ વધશે
અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના કોંક્રિટ રસ્તાઓ પર પડેલા ખાડા અને તૂટેલા ભાગોના ઝડપી સમારકામ માટે જીઓપોલિમર ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની દિશામાં પગલાં લેવામાં આવી રહ્યા છે. આ નવી પદ્ધતિથી આખી રોડ પેનલ તોડવાને બદલે માત્ર ક્ષતિગ્રસ્ત ભાગનું જ રિપેરિંગ કરી શકાશે. કામ પૂર્ણ થયા બાદ આશરે બે કલાકમાં રસ્તો ફરી વાહનવ્યવહાર માટે ખુલ્લો કરી શકાય તેવી શક્યતા છે.
હાલની પરંપરાગત પદ્ધતિમાં કોંક્રિટ રોડ પર મોટો ખાડો કે ગંભીર નુકસાન થાય ત્યારે ઘણી વખત આખી પેનલ તોડીને નવેસરથી બનાવવાની કામગીરી કરવી પડે છે. આ પ્રક્રિયામાં રસ્તો લાંબા સમય સુધી બંધ રાખવો પડતો હોવાથી ટ્રાફિક ડાયવર્ઝન અને વાહનચાલકોની મુશ્કેલી વધે છે. જીઓપોલિમર ટેક્નોલોજીમાં માત્ર નુકસાન થયેલા ભાગનું રિપેરિંગ થઈ શકતું હોવાથી સમયની બચત થવાની શક્યતા છે.
સિમેન્ટને બદલે ઔદ્યોગિક બાય-પ્રોડક્ટ્સનો ઉપયોગ
જીઓપોલિમર ટેક્નોલોજીમાં પરંપરાગત સિમેન્ટ આધારિત સામગ્રીને બદલે ઔદ્યોગિક બાય-પ્રોડક્ટ્સ અને મિનરલ આધારિત બાઇન્ડર્સનો ઉપયોગ કરવામાં આવે છે. પાણી ઉમેર્યા બાદ તૈયાર સામગ્રીને ક્ષતિગ્રસ્ત ભાગમાં ભરવામાં આવે છે અને તે ઝડપથી મજબૂતી પ્રાપ્ત કરે છે.
પરીક્ષણ મુજબ આ સામગ્રી આશરે 24 MPa મજબૂતી બે કલાકમાં પ્રાપ્ત કરી શકે છે તેવો દાવો કરવામાં આવ્યો છે. જો આ પદ્ધતિનો પ્રયોગ સફળ સાબિત થાય તો રસ્તાના સમારકામ બાદ વાહનવ્યવહાર લાંબા સમય સુધી અટકાવવાની જરૂરિયાત ઘટી શકે છે.
પાણી અને મજૂરીની બચત
પરંપરાગત કોંક્રિટ રિપેરિંગમાં લાંબા સમય સુધી ક્યોરિંગ માટે પાણીની જરૂર પડે છે. જીઓપોલિમર પદ્ધતિમાં ઝડપી મજબૂતી મળતી હોવાથી ક્યોરિંગ માટે જરૂરી પાણી, મજૂરી અને દેખરેખમાં પણ બચત થઈ શકે છે. ચોમાસા દરમિયાન યોગ્ય પરિસ્થિતિમાં રોડ રિપેરિંગ માટે આ ટેક્નોલોજી ઉપયોગી સાબિત થઈ શકે તેવી અપેક્ષા છે.
ઝડપી રિપેરિંગ સામે ખર્ચ વધુ
નવી ટેક્નોલોજીનો સૌથી મોટો ફાયદો ઝડપ અને સંસાધનોની બચત છે, પરંતુ તેની સામે તેનો પ્રારંભિક ખર્ચ પરંપરાગત પદ્ધતિ કરતાં વધુ હોવાનું જણાવાયું છે. એટલે એક તરફ સમય, પાણી અને મજૂરીમાં બચત થશે તો બીજી તરફ AMCના રોડ રિપેરિંગ બજેટ પર વધારાનો ખર્ચ આવી શકે છે.
AMC દ્વારા આ કામગીરીમાં બે વર્ષની Defect Liability Period (DLP) રાખવામાં આવશે. એટલે રિપેર કરાયેલા ભાગમાં આ સમયગાળા દરમિયાન નિર્ધારિત ખામી ઊભી થાય તો કરારની શરતો મુજબ જવાબદાર એજન્સીએ તેનું સમારકામ કરવાનું રહેશે.
હવે સૌથી મોટો સવાલ એ છે કે વધારાના ખર્ચવાળી આ ટેક્નોલોજી અમદાવાદના રસ્તાઓની ગુણવત્તા અને ટકાઉપણામાં ખરેખર કેટલો સુધારો લાવે છે. જો રિપેર કરાયેલા ભાગો લાંબા સમય સુધી ટકી રહે તો સમય અને સંસાધનોની બચત તેની વધારાની કિંમતને યોગ્ય ઠેરવી શકે છે. જોકે, તેનો વાસ્તવિક ફાયદો ટેક્નોલોજીના પ્રયોગ બાદની કામગીરી અને લાંબા ગાળાના પરિણામોથી જ સ્પષ્ટ થશે.










