42 દિવસ બાદ મેઘરાજાની પધરામણી : સોરઠથી ભાવનગર-અમરેલી સુધી વરસાદી માહોલ

સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં આગામી તા.17 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં ફરી કૃપા વરસાવવાનું શરૂ કર્યું છે. લાંબા વિરામ બાદ વરસેલા વરસાદથી સુકાવા લાગેલા ખરીફ પાકને જીવતદાન મળ્યું છે. ખાસ કરીને સોરઠ, ભાવનગર અને અમરેલી પંથકમાં વરસાદ થતાં ખેડૂતોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.

જૂનાગઢ જિલ્લાના ભેંસાણમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢ અને મેંદરડામાં પોણા બે ઇંચ, વિસાવદરમાં સવા ઇંચ અને માળીયા હાટીનામાં પોણો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. કેશોદ, વંથલી અને માણાવદર સહિતના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં નોંધાયા છે.

લગભગ 42 દિવસ બાદ રવિવારે વરસાદનું આગમન થતાં લોકોમાં રાહત જોવા મળી હતી. લાંબા સમયથી વરસાદ ખેંચાતા સુકાવા લાગેલી મોલાતને વરસાદ મળતાં ખેડૂતોમાં પણ આશાવાદ જાગ્યો છે. આજે સવારથી અનેક વિસ્તારોમાં આકાશ વાદળછાયું રહેતાં વરસાદી માહોલ યથાવત્ છે.

ભાવનગર જિલ્લામાં તમામ તાલુકામાં વરસાદ

ભાવનગર જિલ્લામાં પણ મેઘરાજાએ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં વરસાવ્યાં છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લાના તમામ 10 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ઘોઘામાં 27 મીમી, પાલીતાણામાં 25 મીમી, તળાજામાં 24 મીમી, જેસરમાં 22 મીમી અને શિહોરમાં 20 મીમી વરસાદ નોંધાયો છે.

ગારીયાધાર અને મહુવામાં 19-19 મીમી, વલ્લભીપુરમાં 18 મીમી, ભાવનગર શહેરમાં 14 મીમી અને ઉમરાળામાં 7 મીમી વરસાદ નોંધાયો છે. વરસાદના નવા રાઉન્ડ સાથે ભાવનગર જિલ્લામાં ચાલુ સિઝનનો કુલ સરેરાશ વરસાદ 520 મીમી એટલે કે આશરે 20.5 ઇંચ થયો છે.

જિલ્લામાં અત્યાર સુધી મહુવામાં સૌથી વધુ 711 મીમી, શિહોરમાં 605 મીમી અને ઘોઘામાં 572 મીમી કુલ વરસાદ નોંધાયો છે. જ્યારે તળાજામાં 401 મીમી અને જેસરમાં 424 મીમી વરસાદ સાથે સૌથી ઓછો વરસાદ નોંધાયો છે.

અમરેલીમાં પણ વરસાદથી ખેડૂતોને હાશકારો

અમરેલી જિલ્લામાં લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોને પણ રાહત મળી છે. શનિવાર સાંજથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ મોડી રાતથી જિલ્લાના અનેક તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. લાઠી, ધારી, દામનગર, સાવરકુંડલા, બાબરા અને બગસરા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં.

બાબરા પંથકમાં મોડી રાતથી સવાર સુધી ધીમીધારે વરસાદ વરસ્યો હતો. બાબરા ઉપરાંત દરેડ, જામ બરવાળા, ખાખરીયા, પાનસેડા અને ગરણી સહિતના ગામોમાં પણ વરસાદ નોંધાયો હતો. કપાસ, મગફળી અને સોયાબીન સહિતના પાક માટે હાલનો વરસાદ ઉપયોગી સાબિત થવાની આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

જામનગરમાં ઝાપટાં, ઉકળાટ વચ્ચે ઠંડક

જામનગર જિલ્લામાં છેલ્લા 48 કલાક દરમિયાન કેટલાક તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડ્યાં છે. જામજોધપુરના જામવાડીમાં એક ઇંચ અને વાસજારીયામાં અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

જિલ્લા કંટ્રોલરૂમના આંકડા મુજબ કાલાવડમાં 14 મીમી, જામજોધપુરમાં 8 મીમી, જોડિયામાં 6 મીમી અને ધ્રોલમાં 2 મીમી વરસાદ થયો છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ જામવાડીમાં 20 મીમી, વાસજારીયામાં 9 મીમી, બાલંભામાં 5 મીમી અને નિકાવામાં 3 મીમી વરસાદ નોંધાયો છે.

ગોંડલ-વાંકાનેરમાં પણ વરસાદી માહોલ

ગોંડલમાં વહેલી સવારે વરસાદી ઝાપટાં પડ્યા બાદ રાત્રે ફરી ધીમીધારે વરસાદ વરસ્યો હતો. શહેરના રાજમાર્ગો પર પાણી ભરાયા હતા અને અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આજે સવારથી આકાશ ગોરંભાયેલું રહ્યું છે.

વાંકાનેરમાં પણ લાંબા વિરામ બાદ ગાજવીજ સાથે મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ વચ્ચે હળવો વરસાદ પડતાં ઉકળાટ અને બફારાથી લોકોને રાહત મળી હતી. જોકે વરસાદનું પ્રમાણ હજુ ઓછું હોવાથી ખેડૂતોની નજર આકાશ તરફ મંડાયેલી છે.

કેશોદમાં સતત બીજા દિવસે વરસાદ

કેશોદમાં સતત બીજા દિવસે પણ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. એકાદ મહિનાથી વરસાદ ન પડતાં પાક સુકાવા લાગ્યો હતો. હવે સોરઠના અનેક વિસ્તારોમાં અડધાથી એક ઇંચ સુધી વરસાદ થતાં મુરઝાતી મોલાતને જીવતદાન મળ્યું છે. હવામાન વિભાગે 16 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી કરી હોવાથી આગામી દિવસોમાં વધુ વરસાદની આશા ખેડૂતો રાખી રહ્યા છે.

United Times
Author: United Times

DAILY NEWS

Leave a Comment