ગુજરાતના 240 તાલુકામાં વરસાદથી કૃષિ ચિત્ર સુધરવાની આશા

ગુજરાતમાં એકાદ મહિના બાદ ફરી મેઘરાજાએ મહેર વરસાવતા ખરીફ પાકને જીવતદાન મળવાની આશા જાગી છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાતા સુકાવા લાગેલા મગફળી, કપાસ અને કઠોળ સહિતના પાકને રાહત મળી છે. વરસાદના નવા રાઉન્ડથી ખેતી ઉત્પાદનનું ચિત્ર સુધરવાની સાથે જળાશયોમાં પણ નવા નીરની આવક વધવાની આશા છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 240 તાલુકામાં વરસાદ નોંધાયો છે. અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદથી લઈને સાડા ચાર ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો.

કૃષિ ક્ષેત્રના નિષ્ણાતોના મતે વર્તમાન વરસાદી રાઉન્ડ ખેતી માટે જીવતદાન સમાન સાબિત થઈ શકે છે. છેલ્લા એકાદ મહિનાથી સાર્વત્રિક વરસાદના અભાવે સિંચાઈની સુવિધા ન ધરાવતા વિસ્તારોમાં પાક સુકાવા લાગ્યો હતો. ખાસ કરીને મગફળી, કપાસ અને કઠોળના પાકને નુકસાન થવાની ભીતિ વધી હતી. હવે વરસાદ થતાં પાકની સ્થિતિ સુધરવાની આશા બંધાઈ છે.

હવામાન વિભાગે લો-પ્રેશર સિસ્ટમની અસર હેઠળ 17 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી કરી છે. જેના કારણે આગામી દિવસોમાં પણ પાકને વધુ રાહત મળવાની શક્યતા છે.

જોકે, વર્તમાન વરસાદી રાઉન્ડમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધુ જોવા મળી રહ્યું છે. લો-પ્રેશર સિસ્ટમ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ તરફ હોવાથી ગુજરાતના સરહદી વિસ્તારોમાં તેની વધુ અસર જોવા મળી રહી છે.

છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના કપરાડામાં 4.45 ઇંચ (113 મીમી) નોંધાયો છે. ત્યારબાદ ભરૂચના વાલિયામાં 3.82 ઇંચ (97 મીમી), વલસાડના નાનાપોંઢામાં 3.54 ઇંચ અને ધરમપુરમાં 3.43 ઇંચ વરસાદ નોંધાયો છે.

રાજ્યના 16થી વધુ તાલુકામાં 2થી 4 ઇંચ વચ્ચે વરસાદ નોંધાયો છે. તેમાં બોટાદના બરવાળામાં 3.39 ઇંચ, મહેસાણાના બેચરાજીમાં 3.35 ઇંચ, નવસારીના વાંસદામાં 3.27 ઇંચ, વલસાડના વાપીમાં 3.11 ઇંચ, સુરતના ઉમરપાડામાં 3.03 ઇંચ અને સુરેન્દ્રનગરના ચૂડામાં 2.83 ઇંચ વરસાદનો સમાવેશ થાય છે.

મધ્ય ગુજરાતમાં પણ મેઘરાજાએ મહેર વરસાવી છે. ખેડા જિલ્લાના કપડવંજ અને ખેડા તાલુકામાં 2.56 ઇંચ, અમદાવાદ જિલ્લાના ધંધૂકામાં 2.13 ઇંચ અને અમદાવાદ શહેરમાં 1.69 ઇંચ વરસાદ નોંધાયો છે.

United Times
Author: United Times

DAILY NEWS

Leave a Comment