મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પ્રિન્સ રહીમ આગા ખાનની સૌજન્ય મુલાકાત

સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, જળસંરક્ષણ, શિક્ષણ અને મહિલા સશક્તિકરણ સહિતના ક્ષેત્રોમાં ગ્રાસરૂટ લેવલ પર સહયોગની સંભાવનાઓ અંગે ચર્ચા

ગાંધીનગર : આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્ક (AKDN)ના ચેરમેન પ્રિન્સ રહીમ આગા ખાન Vએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન ગુજરાતના સર્વાંગી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સાથે આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્કની વૈશ્વિક વિકાસલક્ષી પહેલોને જોડીને ગ્રાસરૂટ લેવલે સહયોગની વિવિધ સંભાવનાઓ અંગે સકારાત્મક ચર્ચા થઈ હતી.

પ્રિન્સ રહીમ આગા ખાન V શિયા ઇસ્માઈલી મુસ્લિમોના 50મા વંશપરંપરાગત ઇમામ તરીકે તેમજ આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્કના અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે. પર્યાવરણ સંરક્ષણ, ક્લાઈમેટ ચેન્જની અસરો ઘટાડવા, શિક્ષણ, કૌશલ્ય વિકાસ, ઉદ્યોગસાહસિકતા તથા વંચિત અને સંવેદનશીલ સમુદાયોના જીવનધોરણમાં સુધારણા જેવા ક્ષેત્રોમાં તેમનું વિશેષ યોગદાન રહ્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં પ્રિન્સ રહીમ આગા ખાન Vનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, શિક્ષણ, કૌશલ્ય વિકાસ, એન્ટરપ્રાઇઝ પ્રમોશન તથા વંચિત અને સંવેદનશીલ સમુદાયોના સશક્તિકરણ અંગે AKDNની પ્રાથમિકતાઓ ગુજરાતની વિકાસ ફિલોસોફી સાથે સુસંગત છે.

મુખ્યમંત્રીએ જળસંરક્ષણને ગુજરાતના સસ્ટેનેબલ ડેવલપમેન્ટનું મહત્વપૂર્ણ પરિમાણ ગણાવી રાજ્યમાં હાથ ધરાયેલા વિશાળ પાયાના વોટર કન્ઝર્વેશન, રેઇનવોટર હાર્વેસ્ટિંગ, ગ્રાઉન્ડવોટર રિચાર્જ અને જળાશયોના પુનઃસજીવનના પ્રયાસોની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં જળસંરક્ષણને જનઆંદોલનનું સ્વરૂપ મળ્યું છે.

મિલેટ્સ અને પ્રાકૃતિક ખેતી અંગેની ચર્ચા દરમિયાન મુખ્યમંત્રીએ રાજ્યમાં મિલેટ્સના ઉત્પાદન, પ્રોસેસિંગ અને વેલ્યુ એડિશન માટે હાથ ધરાયેલી વિવિધ પહેલોની વિગતો આપી હતી. ખેડૂતોને મિલેટ્સના પ્રોસેસિંગ માટે પ્રોત્સાહન આપવા તેમજ મિલેટ્સના આરોગ્યલક્ષી ફાયદા અંગે જાગૃતિ વધારવા રાજ્ય સરકાર દ્વારા ‘મિલેટ ડેવલપમેન્ટ સ્કીમ’ અમલમાં મૂકવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

મહિલા સશક્તિકરણ અને ઉદ્યોગસાહસિકતાના ક્ષેત્રે ગુજરાતની પહેલોની પણ ચર્ચા થઈ હતી. મહિલા સ્વાવલંબન ઇકોસિસ્ટમ હેઠળ હજારો મહિલાઓને અવેરનેસ અને એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટની તાલીમ આપવામાં આવી રહી છે. આ પ્રયાસોના પરિણામે મહિલાઓને માઇક્રો-એન્ટરપ્રાઇઝ સ્થાપી આર્થિક રીતે સ્વાવલંબી બનવામાં મદદ મળી રહી હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

આ તકે પ્રિન્સ રહીમ આગા ખાને પણ રાજ્ય સરકાર સાથે ગ્રાસરૂટ લેવલે સહયોગ વધુ સંગીન બનાવવાની તત્પરતા દર્શાવી હતી. બંને પક્ષે પરસ્પર પૂરક ક્ષમતાઓના આધારે સહયોગને વધુ ગાઢ બનાવવા તથા સસ્ટેનેબલ, ઇન્ક્લુઝિવ અને પીપલ-સેન્ટ્રિક ડેવલપમેન્ટ માટે સાથે મળીને કાર્ય કરવાની દિશામાં સકારાત્મક અભિગમ વ્યક્ત કર્યો હતો.

મુલાકાત દરમિયાન ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્મા તથા મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.

United Times
Author: United Times

DAILY NEWS

Leave a Comment