મધ્યપૂર્વના યુદ્ધ સહિતના વૈશ્વિક ઘટનાક્રમોની અસર : રાજકોટમાં ચાંદી રૂ.2.40 લાખે, સોનું રૂ.1,57,700 થયું
રાજકોટ : મધ્યપૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ સહિતના વૈશ્વિક ઘટનાક્રમોની સીધી અસર સોના-ચાંદીના બજાર પર જોવા મળી રહી છે. ભાવમાં સતત મોટી વધઘટ વચ્ચે આજે સોના અને ચાંદી બંનેમાં નોંધપાત્ર તેજી જોવા મળી હતી.
વિશ્વબજારમાં સોનાના ભાવમાં ઉછાળો નોંધાયો હતો અને ભાવ વધીને 4349 ડોલર પ્રતિ ઔંસની સપાટીએ પહોંચ્યો હતો. બીજી તરફ ચાંદીનો ભાવ પણ વધીને 64.50 ડોલર થયો હતો.
રાજકોટના હાજર બજારમાં પણ તેજીનો માહોલ રહ્યો હતો. સોનાના ભાવમાં રૂ.200નો વધારો થતાં 10 ગ્રામનો ભાવ વધીને રૂ.1,57,700 થયો હતો. જ્યારે ચાંદીમાં વધુ જોરદાર તેજી જોવા મળી હતી અને રૂ.4,100નો ઉછાળો નોંધાતા ચાંદીનો ભાવ વધીને રૂ.2,40,500 પ્રતિ કિલો થયો હતો.
વૈશ્વિક બજારમાં ચાલી રહેલી અનિશ્ચિતતા અને મધ્યપૂર્વના યુદ્ધ સહિતના પરિબળોને પગલે આગામી દિવસોમાં પણ કિંમતી ધાતુઓના ભાવમાં વધઘટ રહેવાની શક્યતા બજાર વર્તુળોમાં વ્યક્ત થઈ રહી છે.










