સુરતમાં 27 મીમી, ખંભાળિયામાં 22 મીમી વરસાદ: સિહોરમાં અડધો ઈંચ વરસ્યો
ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ યથાવત્ છે. જોકે, સોમવારે અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે નોંધપાત્ર વરસાદ થયા બાદ આજે સવારથી બપોર સુધી વરસાદનું જોર થોડું ધીમું પડ્યું હતું. અનેક જિલ્લામાં હળવાંથી મધ્યમ વરસાદી ઝાપટાં નોંધાયા હતા.
સવારથી બપોર સુધીમાં સુરત શહેરમાં 27 મીમી વરસાદ નોંધાયો હતો. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 22 મીમી અને ભાવનગરના સિહોરમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં પણ હળવાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં.
ગઈકાલે સોમવારે ગુજરાત-સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. જેના કારણે ખેતરોમાં મુરઝાઈ રહેલા પાકને રાહત મળી છે અને ખેતી પાકોને જીવતદાન મળ્યું છે.
શ્રાવણ માસના અંત અને ભાદરવા માસના પ્રારંભે વરસાદ થતાં ખેડૂતોમાં આશા જાગી છે. હજુ પણ અનેક વિસ્તારોમાં આકાશ વાદળછાયું છે અને વરસાદી માહોલ યથાવત્ રહેતાં આગામી સમયમાં વધુ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.