ચોમાસાની વિદાયના દિવસો નજીક હોવા છતાં ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 224 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. અરવલ્લીના મેઘરજ અને ગીર સોમનાથના ગીર ગઢડામાં સૌથી વધુ 78-78 મીમી વરસાદ પડ્યો હતો.
સપ્ટેમ્બર મહિનામાં મેઘરાજાની મહેરથી સિઝનનો કુલ વરસાદ હવે 87.68% થયો છે. છેલ્લા એક સપ્તાહમાં જ રાજ્યમાં સિઝનના કુલ વરસાદના 14% જેટલું પાણી વરસ્યું છે. ઓગસ્ટમાં સરેરાશ 97.01 મીમી વરસાદની સામે સપ્ટેમ્બરમાં અત્યાર સુધીમાં 112.12 મીમી વરસાદ નોંધાયો છે.
લો-પ્રેશર સાથે સંકળાયેલી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડ્યાં છે. દક્ષિણ ગુજરાતના ડેડિયાપાડામાં અઢી ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો.
આ વરસાદથી પાક અને પાણીના મોરચે મોટી રાહત મળી છે. આગામી 3થી 4 દિવસ હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા હોવાથી રાજ્યમાં વરસાદી માહોલ હજુ યથાવત રહેવાની સંભાવના છે.










