નડિયાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનમાં જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘વડનગરથી વારાણસી-2026’ સેવા સંકલ્પ યાત્રા યોજાઈ રહી છે. આ યાત્રા અંતર્ગત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બાઈકર્સનો કાફલો ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના કમળા ખાતે પહોંચ્યો હતો. અહીં મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા સહિત સ્થાનિક જનપ્રતિનિધિઓ અને અગ્રણીઓએ ‘ભારત માતા કી જય’ના જયઘોષ સાથે યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.
કમળા ચોકડી ખાતે હર્ષ સંઘવીએ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી હતી. અંબાજી પદયાત્રીઓના સેવા મંડપ તથા સ્થાનિક અગ્રણીઓ દ્વારા પણ યાત્રિકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. નડિયાદના નગરજનોએ જળકળશ અને પુષ્પોથી સેવા સંકલ્પ યાત્રાનું સ્વાગત કર્યું હતું.
આ દરમિયાન હર્ષ સંઘવીએ નડિયાદ સ્થિત શ્રી સંતરામ મંદિરના સમાધિસ્થાન ખાતે પહોંચીને પ્રાર્થના કરી હતી. શ્રી રામનારાયણ ભવનમાં પરમ પૂજ્ય મહંત શ્રી નારાયણદાસ સ્વામીની સમાધિએ શ્રદ્ધાપૂર્વક પ્રણામ કર્યા બાદ તેમણે પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજના આશીર્વાદ લીધા હતા.
વિદ્યાર્થીઓ સાથે સંવાદ, શાળામાં વૃક્ષારોપણ
સેવા સંકલ્પ યાત્રા દરમિયાન હર્ષ સંઘવીએ ખેડા જિલ્લાના ખાત્રજ પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. અહીં તેમણે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો અને બાળકો સાથે પરંપરાગત લીંબુ-ચમચીની રમત પણ રમી હતી. ત્યારબાદ શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું.
આ પ્રસંગે મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા, નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, અગ્રણી નયનાબેન પટેલ સહિત સ્થાનિક આગેવાનો, શ્રદ્ધાળુઓ અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાય, મ્યુનિસિપલ કમિશનર કિરણ ઝવેરી, પોલીસ અધિક્ષક વિજય પટેલ, જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર સહિત વહીવટી તંત્રના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.










