વાવડી રોડની કે.જી.એન. સોસાયટી પાછળના ઝૂંપડામાં છુપાયો હતો, SOGએ ઝડપી લીધો
મોરબી જિલ્લા SOGની ટીમે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા NDPS ગુનામાં છેલ્લા છ મહિનાથી નાસતો ફરતો આરોપીને મોરબીમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી વાવડી રોડ વિસ્તારમાં છુપાયો હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી.
જિલ્લા SOGના PI આર.સી. ગોહિલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગ અને ગુનાહિત પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરી રહ્યો હતો. દરમિયાન બાતમી મળી હતી કે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના NDPS ગુનામાં ફરાર આરોપી રતન મૂળજીભાઈ ચુણા (ઉં.વ. 59) મોરબીના વાવડી રોડ વિસ્તારમાં છુપાયેલો છે.
બાતમીના આધારે SOGની ટીમે વાવડી રોડ ખાતે તપાસ હાથ ધરી હતી. દરમિયાન કે.જી.એન. સોસાયટી પાછળ આવેલા ઝૂંપડામાંથી આરોપી રતન ચુણાને ઝડપી લેવામાં આવ્યો હતો.
પોલીસે આરોપીની ધરપકડ બાદ તેને કાયદેસરની કાર્યવાહી માટે મોરબી એ ડિવિઝન પોલીસને સોંપ્યો છે. તેમજ સમગ્ર મામલે ગાંધીધામ પોલીસ સ્ટેશનને પણ જાણ કરવામાં આવી છે.










