ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. યુનિવર્સિટીને મળેલી ગ્રાન્ટની રકમ તેમના વ્યક્તિગત બેન્ક ખાતામાં ટ્રાન્સફર થયાના આક્ષેપો વચ્ચે તેમણે ₹14.59 કરોડની બાકી રકમ યુનિવર્સિટીને પરત કરી હોવાનું ઇનચાર્જ કુલપતિ જગદીશ જોશીએ જણાવ્યું છે.
ગુજરાત યુનિવર્સિટીને પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ (PMJVK) હેઠળ કુલ ₹40 કરોડની ગ્રાન્ટ મંજૂર થઈ હતી. જેમાં પ્રથમ હપ્તા તરીકે ₹16.53 કરોડથી વધુની રકમ મળી હતી. આ રકમ પ્રોજેક્ટના પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટરના ખાતામાં જમા કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, 11 ઓગસ્ટે નીરજા ગુપ્તાએ પ્રોજેક્ટના પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ ખર્ચ બાદની બાકી રહેલી ₹14.59 કરોડની રકમનો ડિમાન્ડ ડ્રાફ્ટ રજિસ્ટ્રારના નામે બનાવી યુનિવર્સિટીને પરત કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત ‘બ્રેઈન મેપિંગ પ્રોજેક્ટ’ની ગ્રાન્ટને લઈને પણ અગાઉ વિવાદ સર્જાયો હતો. સમગ્ર મામલે નિવૃત્ત જજની કમિટી દ્વારા તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.










