ચાર દિવસમાં 27 લાખથી વધુ માઈભક્તોએ કર્યા મા અંબાના દર્શન, પદયાત્રીઓનો ધસારો યથાવત્
અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળામાં ભક્તિનો માહોલ છવાયો છે. 20 સપ્ટેમ્બરથી શરૂ થયેલા મહામેળાના ચોથા દિવસે 11.42 લાખ શ્રદ્ધાળુઓએ મા અંબાના દર્શન કર્યા હતા. આમ ચાર દિવસમાં 27 લાખથી વધુ માઈભક્તોએ માતાજીના દર્શનનો લાભ લીધો છે.
અંબાજી તરફના માર્ગો પર હજુ પણ પદયાત્રીઓ અને વિવિધ સંઘોનો ધસારો જોવા મળી રહ્યો છે. ‘જય અંબે’ અને ‘બોલ માડી અંબે’ના જયઘોષ સાથે ભક્તો પગપાળા અંબાજી તરફ આગળ વધી રહ્યા છે.
ગુજરાતના વિવિધ જિલ્લાઓ ઉપરાંત દૂર-દૂરથી આવેલા માઈભક્તો હાથમાં ધજા, ત્રિશૂળ અને ચુંદડી સહિતની ધાર્મિક સામગ્રી સાથે માતાજીના દર્શન માટે પ્રયાણ કરી રહ્યા છે. દાંતા-દાંહા સહિતના માર્ગો પર પદયાત્રીઓ અને સંઘોના કારણે ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.










