2 ઓક્ટોબરે UPI પેમેન્ટ નહીં સ્વીકારાય, 2 હજારથી વધુ વેપારીઓ જોડાયા
રાજકોટઃ UPI પેમેન્ટ પર ચાર્જ વસૂલવાના નિર્ણયના વિરોધમાં રાજકોટના વેપારીઓએ પણ વિરોધ નોંધાવ્યો છે. 2 ઓક્ટોબરે UPI પેમેન્ટ બહિષ્કાર કરવાની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટ હોલસેલ મર્ચન્ટ એસોસિએશન સહિત શહેરના અન્ય વેપારી સંગઠનોએ આ અભિયાનને સમર્થન આપ્યું છે.
વેપારીઓના જણાવ્યા મુજબ, ₹2,000થી વધુના UPI વ્યવહારો પર ચાર્જ લાગુ થવાથી વેપારીઓ પર વધારાનો આર્થિક બોજ પડશે. તેના વિરોધમાં રાજકોટના 2,000થી વધુ નાના-મોટા વેપારીઓ આ અભિયાનમાં જોડાયા હોવાનું જણાવાયું છે.
2 ઓક્ટોબરે વેપારીઓ UPI સ્કેનરનો ઉપયોગ બંધ રાખશે અને ડિજિટલ પેમેન્ટ સ્વીકારશે નહીં. વેપારી સંગઠનોએ ગ્રાહકોને તે દિવસે ખરીદી અને દૈનિક વ્યવહારો માટે રોકડ સાથે રાખવા અપીલ કરી છે.
આ વિરોધમાં રાજકોટ ઉપરાંત ગુજરાતના અન્ય શહેરોના વેપારી સંગઠનો પણ જોડાઈ રહ્યા હોવાનું વેપારી મંડળોએ જણાવ્યું છે.










