અમદાવાદમાં ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન અને બેદરકાર ડ્રાઇવિંગના કારણે માર્ગ અકસ્માતોની ગંભીર સ્થિતિ સામે આવી છે. 2021થી જુલાઈ 2026 સુધીમાં શહેરમાં કાર અને ટુ-વ્હિલર સાથે કુલ 5,145 અકસ્માત નોંધાયા, જેમાં 1,226 લોકોનાં મોત થયા છે, જ્યારે 2,783 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ટ્રાફિક પોલીસના આંકડા મુજબ રોંગ સાઇડ ડ્રાઇવિંગ, ઓવરસ્પીડિંગ અને ટ્રાફિક નિયમોનો ભંગ અકસ્માતોના મુખ્ય કારણોમાં સામેલ છે.
ટુ-વ્હિલર અકસ્માતોમાં સૌથી વધુ જાનહાનિ
આ સમયગાળા દરમિયાન 2,236 ટુ-વ્હિલર અકસ્માતોમાં 665 લોકોનાં મોત થયા છે. 1,169 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે 402 લોકોને સામાન્ય ઈજા થઈ હતી. ટ્રાફિક અધિકારીઓના જણાવ્યા મુજબ, હેલ્મેટ વગર બાઈક કે સ્કૂટર ચલાવવાથી અકસ્માત સમયે માથામાં ગંભીર ઈજા થવાનું જોખમ વધી જાય છે.
બીજી તરફ, કાર અને અન્ય ફોર-વ્હીલર સાથે 2,909 અકસ્માત નોંધાયા હતા. તેમાં 561 લોકોનાં મોત અને 1,614 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. સામાન્ય ઈજાના 734 કેસ પણ નોંધાયા છે.
વાહન અકસ્માત મોત ગંભીર ઈજા સામાન્ય ઈજા
ટુ-વ્હિલર 2,236 665 1,169 402
ફોર-વ્હીલર/કાર 2,909 561 1,614 734
કુલ 5,145 1,226 2,783 1,136
મોડી રાત્રે ઓવરસ્પીડિંગથી અકસ્માતોનો ખતરો
SG હાઈવે, સિંધુભવન રોડ અને સરદાર પટેલ રિંગ રોડ જેવા માર્ગો પર મોડી રાત્રે ઓવરસ્પીડિંગના કારણે અકસ્માતો નોંધાતા રહ્યા છે. ટ્રાફિક વિભાગના સર્વેમાં સિગ્નલ તોડવું, રોંગ સાઇડમાં વાહન ચલાવવું, ગેરકાયદેસર સ્ટ્રીટ રેસિંગ, દારૂના નશામાં ડ્રાઇવિંગ અને ડ્રાઇવિંગ દરમિયાન મોબાઇલનો ઉપયોગ જેવી બેદરકારી સામે આવી છે.
ટુ-વ્હિલર પર ત્રિપલ સવારી અને હેલ્મેટ વગર વાહન ચલાવવું પણ ગંભીર જોખમ ઊભું કરે છે. સામાન્ય દેખાતા અકસ્માતોમાં પણ હેલ્મેટ ન પહેરવાને કારણે માથામાં ગંભીર ઈજા થતાં પરિસ્થિતિ જીવલેણ બની શકે છે.
રસ્તાની ખામી અને ડ્રાઇવિંગ પેટર્ન પણ જવાબદાર
રોડ સેફ્ટી નિષ્ણાતોના જણાવ્યા મુજબ, વધુ ઝડપવાળા માર્ગો પર અકસ્માતની ગંભીરતા માત્ર વાહનની ઝડપથી નહીં પરંતુ રસ્તાની ડિઝાઇન, ટ્રાફિક વ્યવસ્થા અને ડ્રાઇવિંગ પેટર્નથી પણ પ્રભાવિત થાય છે. અમદાવાદમાં અકસ્માતો ઘટાડવા માટે ટ્રાફિક નિયમોનું પાલન, નિયંત્રિત ઝડપ અને ટુ-વ્હિલરચાલકો માટે હેલ્મેટનો ફરજિયાત ઉપયોગ મહત્વપૂર્ણ બની રહે છે.










