રાજકોટમાં મહાનગરપાલિકાના ફૂડ વિભાગે ખાદ્ય પદાર્થોમાં ગંદકી અને ભેળસેળ સામે હાથ ધરેલા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન સાધુ વાસવાણી રોડ પરના Blink Commerceના સ્ટોરમાંથી 596 કિલો વાસી અને પડતર શાકભાજી-ફ્રૂટનો જથ્થો ઝડપી પાડ્યો છે. લેબલ, સપ્લાયર, ઉત્પાદન અને યુઝ-બાય ડેટા વિના રાખવામાં આવેલા આ જથ્થાનો સોલિડ વેસ્ટ શાખાની ટીપર વાનમાં નાશ કરાયો હતો અને કંપનીને નોટિસ આપી ₹10 હજારનો વહીવટી ચાર્જ વસૂલાયો હતો.
ફૂડ વિભાગે કુલ 48 પેઢીઓમાં ચેકિંગ કરતાં 662 કિલો જેટલો અખાદ્ય, વાસી અને એક્સપાયરી જથ્થો મળી આવ્યો હતો, જેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 9 પેઢીઓને સ્ટોરેજ, લાઇસન્સ અને હાઇજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપવામાં આવી હતી. કુલ ₹20 હજારનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો, જ્યારે ચાર ખાદ્ય નમૂના પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલાયા છે.
હોમ ડિલિવરીના સ્ટોરમાં જ વાસી માલનો મોટો જથ્થો
સાધુ વાસવાણી રોડના હરીનગર વિસ્તારમાં આઇકોન-2 બિલ્ડિંગમાં આવેલા Blink Commerceના સ્ટોરની તપાસ દરમિયાન 596 કિલો પડતર શાકભાજી અને ફ્રૂટ મળી આવ્યા હતા. માલ પર જરૂરી લેબલ તથા સપ્લાયર, ઉત્પાદન અને યુઝ-બાય તારીખની વિગતો પણ દર્શાવવામાં આવી નહોતી. ફૂડ વિભાગે સમગ્ર જથ્થો જપ્ત કરીને નાશ કર્યો હતો.
રેસ્ટોરન્ટ અને કાફેમાં પણ કાર્યવાહી
નાના મવા રોડ પર પ્રમુખમ્ ઢોસા હબમાં તપાસ દરમિયાન 63 કિલો વાસી અને અખાદ્ય ખાદ્યચીજ મળી આવી હતી. સાંભારનો નમૂનો લઈ નોટિસ ફટકારી ₹3 હજારનો દંડ વસૂલાયો હતો. સાધુ વાસવાણી રોડના દેવી મદ્રાસ કાફેમાંથી મસાલા ઢોસા અને ટમેટાની ચટણીના નમૂના લેવામાં આવ્યા હતા અને નોટિસ સાથે ₹3 હજારનો દંડ કરાયો હતો. કાશી વિશ્વનાથ પ્લોટ વિસ્તારમાં સોયા પનીરનો નમૂનો પણ લેવામાં આવ્યો હતો.
હોસ્ટેલોમાં પણ ફૂડ વિભાગની ચેકિંગ ડ્રાઇવ
ફૂડ વિભાગ દ્વારા શહેરની વિવિધ હોસ્ટેલ અને કોલેજ કેન્ટીનમાં પણ ચેકિંગ ડ્રાઇવ ચાલુ રાખવામાં આવી છે. મુંજકાની હરીવંદના કોલેજ કેન્ટીનમાંથી 2 કિલો વાસી ચટણી અને 1 કિલો મરચાનો નાશ કરાયો હતો અને ₹1 હજારનો દંડ વસૂલાયો હતો. મુંજકા પોલીસ ચોકી સામે આવેલા દ્વારકેશ હોસ્ટેલ, ઓમ ગર્લ્સ હોસ્ટેલ, અર્ચિવ ગર્લ્સ હોસ્ટેલ અને શ્રી બોયઝ હોસ્ટેલને પણ નોટિસ આપી ₹1-1 હજારનો દંડ કરાયો હતો.
આ ઉપરાંત કાલાવડ રોડ, રૈયાધાર રોડ, રામાપીર ચોકડી સહિતના વિસ્તારોમાં સુપરમાર્કેટ, બેકરી, દૂધ પાર્લર, ફરસાણની દુકાન, ચાની હોટલ, પ્રોવિઝન સ્ટોર અને કેન્ટીન સહિતના સ્થળોએ પણ તપાસ કરવામાં આવી હતી.
મરચાં-ધાણાજીરૂના પાવડરમાં ખતરનાક ભેળસેળનો પર્દાફાશ
ફૂડ વિભાગની કાર્યવાહી દરમિયાન વિજય પ્લોટના શ્રીનાથજી ટ્રેડર્સમાંથી લેવાયેલા લાલ મરચાં અને ધાણાજીરૂ પાવડરના નમૂના ફેઇલ થયા છે. લાલ મરચાંના પાવડરના લેબોરેટરી રિપોર્ટમાં પ્રતિબંધિત પિંક કલરિંગ, ઓરેન્જ કલરના પ્રતિબંધિત તેલ અને સિન્થેટિક ડાઇઝની હાજરી મળી આવી હતી.
આ ઉપરાંત મરચાંના પાવડરમાં મરચાના ડીંટિયાનો ભુકો તથા ભુસા જેવો પદાર્થ ભેળવવામાં આવ્યો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું હતું. પરિણામે નમૂનાને અનસેફ અને સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યો છે.
આ જ પેઢીમાંથી લેવાયેલા ધાણાજીરૂ પાવડરના નમૂનામાં પણ પ્રતિબંધિત કલર, તેલ અને સિન્થેટિક ડાઇઝ મળી આવ્યા હતા. બંને નમૂનાને અનસેફ જાહેર કરાયા છે અને બંને કેસમાં પ્રોસિક્યુશન હેઠળ ફોજદારી કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.










