સિંહોના પુનર્વસવાટને મજબૂત બનાવવા પોરબંદર વન વિભાગનું નવું માળખું, 2 ACF હેઠળ રેન્જની જવાબદારી
143 વર્ષ બાદ બરડા વિસ્તારમાં એશિયાટિક સિંહોના કુદરતી પરત ફર્યા બાદ ગુજરાત સરકારે પોરબંદર વન વિભાગના પુનર્ગઠનનો નિર્ણય લીધો છે. નવા માળખાથી બરડા સહિત પોરબંદર જિલ્લાના વન અને વન્યજીવ વ્યવસ્થાપનને વધુ સુવ્યવસ્થિત બનાવવામાં આવશે.
પુનર્ગઠન હેઠળ પોરબંદર રેન્જમાં 6,840.84 હેક્ટર વિસ્તાર અને 80 ગામો, જ્યારે રાણાવાવ રેન્જમાં 13,051.25 હેક્ટર વિસ્તાર અને 27 ગામોનો સમાવેશ કરાયો છે. જામનગર વન વિભાગની ભાટિયા રેન્જનો 305.94 હેક્ટર વિસ્તાર પણ પોરબંદર વન વિભાગની ભાણવડ રેન્જમાં સામેલ કરાયો છે.
નવી વ્યવસ્થામાં બે મદદનીશ વન સંરક્ષક (ACF) હેઠળ જવાબદારીઓ વહેંચવામાં આવી છે. ACF-1 હેઠળ પોરબંદર, પોરબંદર સામાજિક વનીકરણ અને રાણાવાવ સામાજિક વનીકરણ રેન્જ રહેશે, જ્યારે ACF-2 હેઠળ રાણાવાવ, ભાણવડ, કુતિયાણા અને મોબાઇલ સ્ક્વોડ રહેશે.
રેન્જોના પુનર્ગઠન સાથે વાહનો, હથિયારો, વાયરલેસ, રેકોર્ડ અને અન્ય સાધન-સામગ્રીની પણ તબદીલી કરવામાં આવશે. નવી વ્યવસ્થાથી વન સંરક્ષણ, સિંહોની સુરક્ષા, મેદાની દેખરેખ અને વન્યજીવ વ્યવસ્થાપન વધુ અસરકારક બનવાની અપેક્ષા છે.










