ગુજરાત અને રાજસ્થાન વચ્ચે રેલ કનેક્ટિવિટી વધુ મજબૂત બનાવવા સુરત-ઉદયપુર વચ્ચે નવી વંદે ભારત એક્સપ્રેસ શરૂ કરવાની મંજૂરી મળી છે. રેલવે બોર્ડ દ્વારા મંજૂર કરાયેલી આ સેમી હાઈસ્પીડ ટ્રેન 4 ઓક્ટોબરથી નિયમિત સેવા શરૂ કરશે.
સુરતથી ઉદયપુર જતી ટ્રેન સવારે 6:10 વાગ્યે ઉપડી બપોરે 1:40 વાગ્યે ઉદયપુર પહોંચશે. જ્યારે ઉદયપુરથી સુરત જતી ટ્રેન બપોરે 3:35 વાગ્યે રવાના થઈ રાત્રે 11 વાગ્યે સુરત પહોંચશે.
આ વંદે ભારત એક્સપ્રેસ અઠવાડિયામાં 6 દિવસ દોડશે અને મંગળવારે સેવા બંધ રહેશે. ટ્રેનના રૂટમાં ભરૂચ, વડોદરા, આણંદ, મણિનગર, અસારવા, હિંમતનગર, શામળાજી, ડુંગરપુર અને જાવર સહિતના મહત્વના સ્ટેશનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
નવી ટ્રેન શરૂ થતાં ગુજરાત અને રાજસ્થાનના મુસાફરોને ઝડપી અને સીધી રેલ સેવાનો લાભ મળશે તેમજ બંને રાજ્યો વચ્ચે પ્રવાસ અને વેપારિક જોડાણને પણ વેગ મળવાની શક્યતા છે.










