કેપ્ટન સ્મિત મચ્છરના કાકી સોનલબેન સહિત પરિવારજનો સાથે ‘સાંજ સમાચાર’ની ખાસ વાતચીત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

180 મુસાફરોને બચાવનાર કેપ્ટન સ્મિત મચ્છર હનુમાનજીના પરમ ભક્ત: દરરોજ લાલાજીની પૂજા અને હનુમાન ચાલીસા બાદ જ ફરજ પર જતા

દુબઈથી ઈઝરાયલ જઈ રહેલી ફ્લાઇટમાં સર્જાયેલી ગંભીર પરિસ્થિતિ દરમિયાન પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છરે ઈજાગ્રસ્ત હોવા છતાં હિંમત અને જવાબદારીનું પ્રદર્શન કરી મુસાફરોની સુરક્ષામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ફ્લાઇટમાં સવાર આશરે 180 મુસાફરો માટે સર્જાયેલી કટોકટીની સ્થિતિમાં સ્મિતે પોતાની ફરજ નિભાવી હતી. તેમના સાહસની વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પ્રશંસા કરી હતી.

સૌરાષ્ટ્ર સાથે ગાઢ નાતો, મૂળ વઢવાણના

કેપ્ટન સ્મિત મચ્છર મૂળ વઢવાણના વતની છે. હાલ તેમનો પરિવાર મુંબઈના ઘાટકોપર પૂર્વ અને દુબઈમાં સ્થાયી છે. સ્મિતનું બાળપણ, શાળાકીય શિક્ષણ અને ઉચ્ચ અભ્યાસ મુંબઈમાં જ થયો હતો. વર્ષ 2012માં તેમના લગ્ન સાવરકુંડલાની સોનલ સાથે થયા હતા. લગ્ન બાદ પણ તેમણે એવિએશન ક્ષેત્રમાં કારકિર્દી આગળ વધારી હતી.

મુંબઈમાં આશરે 11 વર્ષ સુધી નોકરી કર્યા બાદ તેઓ ફ્લાયદુબઈ સાથે જોડાયા અને ત્યારથી દુબઈમાં રહે છે. હાલ તેઓ પત્ની સોનલ, પુત્રી ઝીવા અને પુત્ર ક્રિશય (બોબી) સાથે દુબઈમાં રહે છે.

પાઇલટ બનવું બાળપણનું સપનું નહોતું, 19 વર્ષની ઉંમરે બદલાઈ કારકિર્દીની દિશા

સ્મિત માટે પાઇલટ બનવું બાળપણનું સપનું નહોતું. તેમનો પરિવાર પરંપરાગત રીતે ટેક્સટાઇલ વ્યવસાય સાથે સંકળાયેલો છે. શાળાકીય શિક્ષણ બાદ તેમણે ટેક્સટાઇલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી ડિગ્રી મેળવી હતી. પરિવારના વ્યવસાયને આગળ વધારવા માટે મેનેજમેન્ટનો અભ્યાસ કરવાની પણ તેમની યોજના હતી.

જોકે, આશરે 19 વર્ષની ઉંમરે એવિએશન ક્ષેત્રને લગતા એક સેમિનારમાં હાજરી આપ્યા બાદ તેમની કારકિર્દીની દિશા બદલાઈ ગઈ. સેમિનારમાં એવિએશન ક્ષેત્ર વિશે જાણકારી મળતાં તેમણે પાઇલટ બનવાનો નિર્ણય લીધો અને ત્યારથી તેમણે આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની શરૂઆત કરી.

પરિવારજનોના જણાવ્યા મુજબ સ્મિત અભ્યાસમાં શરૂઆતથી જ હોશિયાર હતા. તેમના ભાભુ સોનલબેન મચ્છરે જણાવ્યું હતું કે સ્મિત અને તેમના પુત્ર ભાવિકે સાથે પાઇલટ બનવાની સફર શરૂ કરી હતી અને આજે બંને ભાઈઓ પાઇલટ તરીકે ફરજ બજાવી રહ્યા છે.

દાદા વઢવાણમાં સાડી રંગવાનું કામ કરતા હતા

સ્મિતના દાદા જેન્તીભાઈ મચ્છર મૂળ વઢવાણના વતની હતા અને ત્યાં સાડીને રંગવાનું કામ કરતા હતા. બાદમાં તેઓ મુંબઈ ગયા અને સાડીના વ્યવસાય સાથે જોડાયા. સમય જતાં પરિવાર મુંબઈમાં સ્થાયી થયો અને પરિવારના સભ્યો વ્યવસાય સાથે જોડાયા.

પરિવારજનો જણાવે છે કે સંયુક્ત પરિવારમાં ઉછરેલા સ્મિત સ્વભાવથી ખૂબ જ મિલનસાર છે અને પરિવાર સાથે તેમનું ગાઢ જોડાણ છે. તેમના પિતા ભૂપેન્દ્રભાઈ અને કાકા કિશોરભાઈ મુંબઈમાં વ્યવસાય સંભાળે છે.

વિદેશમાં રહીને પણ ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાઓ સાથે જોડાયેલા

દુબઈમાં વર્ષોથી રહેવા છતાં સ્મિત ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાઓ સાથે જોડાયેલા રહ્યા છે. પરિવારજનોના જણાવ્યા મુજબ તેઓ નિયમિત રીતે કામ પર જતાં પહેલાં લાલાજીની પૂજા-દર્શન કરે છે અને હનુમાન ચાલીસાનું પઠન કર્યા બાદ ફરજ પર જાય છે.

પરિવારજનોના જણાવ્યા મુજબ હનુમાનજી પ્રત્યે તેમને અતૂટ શ્રદ્ધા છે. ધાર્મિક આસ્થા ઉપરાંત પરિવાર સાથેનું તેમનું ગાઢ જોડાણ પણ તેમના વ્યક્તિત્વની વિશેષતા હોવાનું પરિવારજનો કહે છે.

આશરે 15 વર્ષ પહેલાં ન્યૂઝીલેન્ડ અભ્યાસ માટે જતા સમયે સ્મિત ગુજરાત આવ્યા હતા અને મોરબી ખાતે આવેલા માતાજીના મઢે દર્શન પણ કર્યા હતા. વિદેશમાં વસવાટ છતાં તેમનો સૌરાષ્ટ્ર સાથેનો નાતો આજે પણ જળવાયેલો છે.

રાજકોટના પરિવારજનો પણ સ્મિતની હિંમતથી ગૌરવ અનુભવી રહ્યા છે

રાજકોટમાં રહેતા તેમના કૌટુંબિક કાકા નરેન્દ્રભાઈ ઈશ્વરભાઈ મચ્છર કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમણે જણાવ્યું હતું કે સ્મિતના પિતા ભૂપેન્દ્રભાઈ દુબઈમાં સ્થાયી હોવા છતાં સૌરાષ્ટ્ર સાથેનો સંપર્ક સતત જાળવી રાખે છે અને પરિવારના પ્રસંગો તથા અન્ય અવસરે રાજકોટ અને વઢવાણ આવતા રહે છે.

આશરે ત્રણ મહિના પહેલાં પણ પરિવાર ગુજરાત આવ્યો હતો. પરિવારજનોના જણાવ્યા મુજબ સમગ્ર પરિવાર મિલનસાર અને લાગણીસભર સ્વભાવ ધરાવે છે. ફ્લાઇટમાં સર્જાયેલી કટોકટીની સ્થિતિમાં ઈજાગ્રસ્ત હોવા છતાં સ્મિતે બતાવેલી હિંમત અને જવાબદારીને લઈને તેમના મૂળ વતન વઢવાણ સહિત ગુજરાતમાં ગૌરવની લાગણી જોવા મળી રહી છે.

પાઇલટ બનવાની વાત સાંભળીને માતા ચિંતિત, પિતાએ આપ્યો સાથ

2025માં આપવામાં આવેલા એક પોડકાસ્ટમાં સ્મિતે પાઇલટ બનવાનો નિર્ણય લીધો ત્યારે માતા-પિતાની પ્રતિક્રિયા અંગે પણ વાત કરી હતી. સ્મિતના જણાવ્યા મુજબ, જ્યારે તેમણે પાઇલટ બનવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે તેમની માતા ગીતાબેન ચિંતિત થયા હતા.

તે સમયે તેમના સામાજિક વર્તુળમાં વ્યાવસાયિક ઉડ્ડયન ક્ષેત્રમાં કારકિર્દી બનાવવી પ્રમાણમાં અસામાન્ય બાબત હતી. પુત્ર વિમાન ઉડાવશે તે વિચારથી માતાને સ્વાભાવિક રીતે ચિંતા થઈ હતી. બીજી તરફ, તેમના પિતા ભૂપેન્દ્રભાઈએ વધુ શાંત વલણ અપનાવી સ્મિતને આ કારકિર્દીના વ્યવહારુ પાસાં સમજવાની સલાહ આપી હતી અને ત્યારબાદ તેમને આર્થિક સહયોગ પણ આપ્યો હતો.

તે સમયે પાઇલટ તાલીમનો ખર્ચ આશરે રૂ.16-17 લાખ જેટલો હોવાનું સ્મિતે જણાવ્યું હતું, જે પરિવાર માટે મોટી રકમ હતી. માતા-પિતાના સમર્થનથી સ્મિતે ન્યૂઝીલેન્ડમાં તાલીમ મેળવી અને વર્ષ 2011માં સ્પાઇસજેટમાં જોડાયા.

ત્યારબાદ કારકિર્દીમાં પ્રગતિ કરતા તેઓ ‘લાઇન ટ્રેનિંગ કેપ્ટન’ બન્યા. વર્ષ 2022માં આશરે 9,750 ફ્લાઇંગ અવર્સના અનુભવ સાથે તેઓ ‘ડાયરેક્ટ-એન્ટ્રી કેપ્ટન’ તરીકે ફ્લાયદુબઈ સાથે જોડાયા. આજે કટોકટીની પરિસ્થિતિમાં તેમના સાહસ અને ફરજ પ્રત્યેની પ્રતિબદ્ધતાને લઈને પરિવારજનો સહિત સૌરાષ્ટ્રમાં તેમના માટે ગૌરવની લાગણી વ્યક્ત થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai