દેવભૂમિ દ્વારકા જિલ્લાની મહત્વની ઓખા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી-2026નો જંગ હવે અંતિમ તબક્કામાં પહોંચ્યો છે. આગામી 11 ઓક્ટોબરે યોજાનારી ચૂંટણીમાં 8 વોર્ડની 32 બેઠકો માટે ભાજપના 32, કોંગ્રેસના 28 અને આમ આદમી પાર્ટીના 15 મળી કુલ 75 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે વોર્ડ નં. 4ની ચારેય બેઠકો ભાજપને બિનહરીફ મળી છે.
ઓખા નગરપાલિકાની કુલ 9 વોર્ડની 36 બેઠકો પૈકી ચાર બેઠકો બિનહરીફ થતાં હવે બાકીની 32 બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. અગાઉ 2016માં ભાજપે 20 અને કોંગ્રેસે 16 બેઠકો મેળવી હતી, જ્યારે 2021માં ભાજપે 34 અને કોંગ્રેસે માત્ર 2 બેઠકો જીતી હતી.
આ વખતે લાઈટ, પાણી, રોડ-રસ્તા, સફાઈ, આરોગ્ય, શિક્ષણ, સ્થાનિક રોજગારી અને જમીન દબાણ સહિતના મુદ્દાઓ ચૂંટણીમાં ચર્ચાના કેન્દ્રમાં છે. ત્રણેય પક્ષ દ્વારા ડોર-ટુ-ડોર સંપર્ક અને પ્રચાર તેજ કરવામાં આવ્યો છે.
ઓખા, બેટ, આરંભડા અને સુરજકરાડી એમ ચાર ગામોનો સમાવેશ કરતી ઓખા નગરપાલિકા ભૌગોલિક, ઔદ્યોગિક અને વ્યૂહાત્મક દૃષ્ટિએ પણ મહત્વ ધરાવે છે. બેટ-દ્વારકા, સુદર્શન સેતુ, ઓખા બંદર, ડાલડા મત્સ્ય બંદર તેમજ વિવિધ ઔદ્યોગિક એકમોના કારણે પાલિકાનું મહત્વ વિશેષ છે.
દરમિયાન કાયમી ચીફ ઓફિસર અને કાયમી સ્ટાફનો અભાવ પણ સ્થાનિક સ્તરે મહત્વનો પ્રશ્ન બની રહ્યો છે. લાંબા સમયથી દ્વારકાના ચીફ ઓફિસર પાસે ઓખા નગરપાલિકાનો વધારાનો ચાર્જ છે. પૂરતા કાયમી સ્ટાફના અભાવે ફાયર વિભાગ, સફાઈ, પાણી વિતરણ, સ્ટ્રીટ લાઈટ, સેનીટેશન અને સિવિલ કામગીરીમાં નિયમિતતા તથા ગુણવત્તાને લઈને પ્રશ્નો ઉઠી રહ્યા છે.
હવે 11 ઓક્ટોબરે મતદાન અને 13 ઓક્ટોબરે મતગણતરી બાદ ઓખા નગરપાલિકામાં આગામી બોર્ડનું સંખ્યાબળ કેવું રહેશે અને પ્રમુખપદની કમાન કોના હાથમાં જશે, તેના પર સૌની નજર રહેશે.










