મહિલા સશક્તિકરણ માટે વિવિધ યોજનાઓનો પ્રારંભ; સખીમંડળની બહેનોને સહાયના ચેક અને અમૂલ પાર્લરના એલોટમેન્ટ લેટર્સ અપાયા
રાજકોટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટની ટૂંકી મુલાકાત દરમિયાન રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે 136 ગ્રામહાટનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે જિલ્લાના વિચરતી-વિમુક્ત જાતિના 141 પરિવારોને જમીનની સનદનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ યોજનાઓનો પ્રારંભ પણ કરવામાં આવ્યો હતો.
સમારોહ દરમિયાન સખીમંડળની બહેનોને અમૂલ પાર્લરના એલોટમેન્ટ લેટર્સ, કેશ ક્રેડિટના ચેક તેમજ ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલી મહિલાઓને ક્રેડિટ સહાય અને ઈ-કોમર્સ પ્રોત્સાહનના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલથી મહિલાઓને સ્વરોજગાર અને આર્થિક પ્રવૃત્તિઓમાં આગળ વધવાની તકો મળશે.
મુખ્યમંત્રી સવારે હવાઈ માર્ગે અમદાવાદથી રાજકોટના હિરાસર એરપોર્ટ પહોંચ્યા હતા, જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રીએ પડધરી નજીક આવેલા સદભાવના વૃદ્ધાશ્રમની મુલાકાત લઈને વડીલો સાથે સંવાદ કર્યો હતો.
આ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા સહિતના ધારાસભ્યો, સાંસદો અને સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.










