હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મળેલી સમિતિની બેઠકમાં નિર્ણય; 8,178થી વધુ રોજગારીની તકો સર્જાવાની શક્યતા
ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસને વધુ વેગ આપવા અને નવા રોકાણને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે વધુ 25 ઔદ્યોગિક એકમોને સહાય આપવા માટે ફાઇનલ એલિજિબિલિટી પ્રમાણપત્રો મંજૂર કર્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય સમિતિની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ એકમો દ્વારા રાજ્યમાં કુલ ₹3,903.30 કરોડનું મૂડીરોકાણ થવાની સાથે 8,178થી વધુ લોકોને રોજગારી મળવાની અપેક્ષા છે.
બે ઔદ્યોગિક યોજનાઓ હેઠળ રોકાણને મંજૂરી
રાજ્ય સરકારના નિર્ણય અનુસાર, ઔદ્યોગિક નીતિ-2015 હેઠળ 22 ઔદ્યોગિક એકમોના ₹1,631.90 કરોડના મૂડીરોકાણને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે આત્મનિર્ભર ગુજરાત યોજના-2022 હેઠળ ત્રણ મોટા ઔદ્યોગિક એકમોના ₹2,271.40 કરોડના મૂડીરોકાણને મંજૂરી મળી છે. આમ, બંને યોજનાઓ હેઠળ કુલ 25 એકમોને સહાયનો લાભ મળશે.
આઠ જિલ્લાઓના ઉદ્યોગોને મળશે લાભ
અમદાવાદ, મોરબી, ભરૂચ, કચ્છ, વડોદરા, મહેસાણા, ખેડા અને સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં કાર્યરત ઔદ્યોગિક એકમોને આ નિર્ણયનો લાભ મળવાની અપેક્ષા છે. ઓટોમોબાઇલ, ટેક્સટાઇલ, પ્લાસ્ટિક, પેપર, કેમિકલ, સિરામિક અને મેટલ જેવા વિવિધ ક્ષેત્રોના ઉદ્યોગોને સરકારી પ્રોત્સાહનો આપવામાં આવશે.
રોજગારી અને ઔદ્યોગિક વિકાસને વેગ મળવાની આશા
આ સહાય અંતર્ગત પાત્રતા અને લાગુ પડતી યોજનાની જોગવાઈઓ અનુસાર નેટ SGST સહાય, વ્યાજ સહાય અને EPF રિઇમ્બર્સમેન્ટ જેવા પ્રોત્સાહનોનો લાભ મળી શકે છે. સરકારના આ નિર્ણયથી મોટા ઔદ્યોગિક એકમો ઉપરાંત સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME)ને પણ પ્રોત્સાહન મળવાની અને રાજ્યમાં રોજગારીની નવી તકો ઊભી થવાની અપેક્ષા છે.










