બોલેરોમાં આવેલા શખ્સો 16 હજાર મીટર કેબલના 16 ડ્રમ ચોરી કરી ફરાર; CCTVના આધારે પોલીસ અને LCBએ તપાસ તેજ કરી
જેતપુર તાલુકાના થાણાગાલોલ ગામની સીમમાં આવેલા એમબીટ એનર્જી કંપનીના સોલાર પ્લાન્ટમાં તસ્કરોએ હાથફેરો કર્યો છે. અજાણ્યા શખ્સો પ્લાન્ટમાંથી આશરે ₹12.48 લાખની કિંમતના 16 હજાર મીટર સોલાર ડીસી કેબલની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને LCBની ટીમો તપાસમાં લાગી છે. પ્લાન્ટ નજીકના CCTV કેમેરામાં એક બોલેરો વાહન જોવા મળતાં તેના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે.
કેબલના 20 ડ્રમમાંથી માત્ર 4 જ મળ્યા
બગસરાના ગોકુળપરામાં રહેતા અને વ્યવસાયે સિવિલ એન્જિનિયર રોહિતભાઈ ભરતભાઈ હિરપરા (ઉંમર 31)એ આ મામલે જેતપુર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તેઓ 15 ઓગસ્ટ, 2026થી થાણાગાલોલમાં ગાંડુભાઈ બુટાણીની જમીન પર આવેલા એમબીટ એનર્જી કંપનીના સોલાર પ્લાન્ટમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે.
ઘટનાના દિવસે તેઓ વિસાવદરના ભલગામ ખાતે આવેલા અન્ય સોલાર પ્લાન્ટમાં કામ કરી રહ્યા હતા. દરમિયાન બપોરે આશરે 2:30 વાગ્યે થાણાગાલોલની સાઇટ પર કામ કરતા દિલીપભાઈ વસાવાનો ફોન આવ્યો હતો. તેમણે સોલાર પ્લાન્ટની દિવાલ પાસે રાખેલા કેબલના 20 ડ્રમમાંથી માત્ર ચાર જ જોવા મળતા હોવાની જાણ કરી હતી.
16 ડ્રમ ગાયબ, ₹12.48 લાખનું નુકસાન
ફોન મળતાં જ રોહિતભાઈ હિરપરા ભલગામથી થાણાગાલોલની સાઇટ પર પહોંચ્યા હતા. તપાસ કરતાં દિવાલ પાસે ચાર સોલાર કેબલના ડ્રમ મળી આવ્યા હતા, જ્યારે બાકીના 16 ડ્રમ ગાયબ હતા.
ફરિયાદ મુજબ, દરેક ડ્રમમાં 6 સ્ક્વેર મિમીના આશરે 1,000 મીટર કેબલ હતા, જેની કિંમત લગભગ ₹78 હજાર હતી. આ રીતે કુલ 16 ડ્રમમાં રહેલા 16 હજાર મીટર કેબલની કિંમત ₹12.48 લાખ થતી હોવાનું જણાવાયું છે.
CCTVમાં બોલેરો વાહન દેખાયું
સોલાર પ્લાન્ટથી થોડે દૂર આવેલા CCTV કેમેરામાં એક બોલેરો વાહન પ્લાન્ટ તરફ આવતું જોવા મળ્યું હતું. આથી ચોરીમાં બોલેરો વાહનનો ઉપયોગ થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, ચોરીમાં સંડોવાયેલા શખ્સોની ઓળખ હજુ થઈ નથી.
ફરિયાદના આધારે જેતપુર તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ અને LCBની ટીમો CCTV ફૂટેજ સહિતની કડીઓના આધારે આરોપીઓનું પગેરું મેળવવા અને ચોરીનો મુદ્દામાલ શોધવા તપાસ કરી રહી છે.










