ઘીકાંટા રોડની બે દુકાનોમાં SOG ક્રાઇમ બ્રાન્ચના દરોડા, 1,221 નંગ બનાવટી પ્રોડક્ટ્સ મળી; બે સંચાલકો સામે ગુનો નોંધાયો
અમદાવાદના ઘીકાંટા રોડ પર આવેલી બે કોસ્મેટિક્સની દુકાનોમાં SOG ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડીને જાણીતી મેટ્રિક્સ કંપનીના નામે વેચાતી કથિત નકલી પ્રોડક્ટ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે બંને દુકાનોમાંથી કુલ 1,221 નંગ પ્રોડક્ટ્સ, જેની કિંમત રૂ. 6.90 લાખ થાય છે, જપ્ત કરી હતી. આ મામલે દુકાન સંચાલકો યશ પ્રભુલાલ ઠક્કર અને રીષભ અગ્રવાલ સામે કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
કંપનીના અધિકૃત પ્રતિનિધિને મળેલી બાતમીના આધારે SOG ક્રાઇમ બ્રાન્ચ અને કંપનીના પ્રતિનિધિઓએ સંયુક્ત કાર્યવાહી કરી હતી. તપાસ દરમિયાન પંચભાઈની પોળ પાસે આવેલી માય બ્યુટી સેન્ટરમાંથી શેમ્પૂ, ક્રીમ, ડેવલપર અને હેર માસ્ક સહિતની 775 નંગ પ્રોડક્ટ્સ મળી આવી હતી, જેની કિંમત રૂ. 4.44 લાખ આંકવામાં આવી છે. જ્યારે પાંચુ મિયાના ડહેલા પાસે આવેલી લક્ષ્મી બ્યુટી શોપમાંથી રૂ. 2.46 લાખની કિંમતની 446 નંગ પ્રોડક્ટ્સ જપ્ત કરવામાં આવી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં નકલી માલ મુંબઈના ક્રોફર્ડ માર્કેટમાંથી મંગાવવામાં આવતો હોવાની વિગતો સામે આવી છે. એક દુકાન સંચાલક દ્વારા મુંબઈના નવ્યા એન્ટરપ્રાઇઝિસ પાસેથી ટ્રાન્સપોર્ટ મારફતે માલ મંગાવાતો હોવાનો ખુલાસો થયો છે. જ્યારે બીજા સંચાલકે મુંબઈના આર.કે. બ્યુટી પાસેથી માલ ખરીદ્યો હોવાની માહિતી આપી છે. આ ઉપરાંત અમદાવાદના નારણપુરામાં આવેલી ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ સાથેના કથિત જોડાણ અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસે જપ્ત કરાયેલી પ્રોડક્ટ્સનાં નમૂનાઓ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવાની કાર્યવાહી શરૂ કરી છે. સમગ્ર નેટવર્કમાં અન્ય વેપારીઓની સંડોવણી છે કે કેમ તે અંગે પણ વધુ તપાસ ચાલી રહી છે.










