ઘોડાસરના વેપારીને ખામીયુક્ત સોફ્ટવેર આપી રકમ પરત ન આપ્યાની ફરિયાદ, સુરતની IT કંપનીના ડિરેક્ટર સામે વટવા પોલીસે ગુનો નોંધ્યો
અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં રહેતા વેપારી સાથે સોફ્ટવેર ડેવલપમેન્ટના નામે રૂ. 2.86 લાખની છેતરપિંડી થયાનો મામલો સામે આવ્યો છે. વેપારીએ પોતાની કંપની માટે ત્રણ પ્રકારનાં સોફ્ટવેર બનાવવાનો કોન્ટ્રાક્ટ સુરતની IT કંપનીને આપ્યો હતો. જોકે, સમયમર્યાદામાં સોફ્ટવેર તૈયાર ન થતાં અને ડેમો સિસ્ટમમાં ખામીઓ જણાતાં વિવાદ સર્જાયો હતો. આ મામલે વટવા પોલીસે કંપનીના ડિરેક્ટર દર્શન ચૌહાણ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદ મુજબ, ઘોડાસરમાં રહેતા ઋષિક બારોટે પોતાની કંપની માટે ડેશબોર્ડ, માર્કેટ પ્લેસ અને ડિલિવરી ડ્રાઇવર એમ ત્રણ પ્રકારનાં સોફ્ટવેર બનાવવા સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી દુરવાસા ઇન્ફોટેક પ્રા. લિ.ના ડિરેક્ટર દર્શન ચૌહાણનો સંપર્ક કર્યો હતો. બંને વચ્ચે રૂ. 3.70 લાખમાં સોફ્ટવેર તૈયાર કરવાનો કરાર થયો હતો અને નવેમ્બર 2025 સુધીમાં કામ પૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવી હતી.
વેપારીએ હપ્તાવાર કુલ રૂ. 2.86 લાખ ચૂકવી દીધા હતા. જોકે, માર્ચ 2026માં આપવામાં આવેલા ડેમો સોફ્ટવેરમાં ખામીઓ જોવા મળતાં વેપારીએ સુધારા કરવા જણાવ્યું હતું. તેમ છતાં સમસ્યાનો ઉકેલ ન આવતાં વેપારીએ કરાર રદ કરીને ચૂકવેલી રકમ પરત માગી હતી.
ફરિયાદમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, આરોપીએ નાણાં પરત આપવાનો ઇનકાર કર્યો હતો અને ધમકીભર્યું વર્તન કર્યું હતું. અંતે વેપારીએ વટવા પોલીસનો સંપર્ક કરતાં પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.










