આજી GIDCની જ્વેલરી રિફાઇનરીમાં કામ કરતા શખ્સે જ આપી હતી લૂંટની ટીપ, ફાસ્ટેગની મદદથી પોલીસને મળી કડી; રાજસ્થાનથી કચ્છ સુધી ઓપરેશન હાથ ધરાયું
રાજકોટના આજી GIDC વિસ્તારમાં આવેલી તન્વી એક્સપોર્ટ ઇન્ડિયા લિમિટેડની રિફાઇનરીમાં થયેલી રૂ. 1.53 કરોડના સોના-ચાંદીની લૂંટ અને હત્યાના બનાવનો ક્રાઇમ બ્રાન્ચ તથા LCBની ટીમોએ માત્ર નવ કલાકમાં ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા કુલ 10 આરોપીઓને ઝડપી પાડી રિફાઇન સોનું-ચાંદી, બે કાર અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 1,57,67,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. તપાસમાં કારખાનામાં કામ કરતો શૈલેન્દ્રસિંહ નામનો કર્મચારી જ લૂંટ માટે ટીપ આપનાર નીકળતાં તેની પણ ધરપકડ કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ગત 14મી તારીખે રાત્રે આશરે 8 વાગ્યે આજી GIDC મેઇન રોડ પર આવેલી રિફાઇનરીમાંથી મેનેજર લાલજીભાઈ લવજીભાઈ સરધારા આશરે 946 ગ્રામ રિફાઇન સોનાના ઢાળિયા અને બે કિલો જેટલો ચાંદીનો ડસ્ટ પાવડર થેલામાં લઈને શોરૂમ તરફ જવા નીકળ્યા હતા. આ દરમિયાન મરૂન રંગની કારમાં આવેલા ચાર શખ્સોએ તેમના પર હુમલો કરી સોના-ચાંદી ભરેલો થેલો લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. પ્રતિકાર થતાં એક આરોપીએ લાલજીભાઈ પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગંભીર ઇજાઓને કારણે તેમનું મોત થયું હતું અને આરોપીઓ મુદ્દામાલ લઈને ફરાર થઈ ગયા હતા.
ફાસ્ટેગની માહિતીથી મળ્યો આરોપીઓનો પત્તો
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ, SOG, LCB ઝોન-1 અને સ્થાનિક પોલીસની અલગ-અલગ ટીમોએ તપાસ શરૂ કરી હતી. CCTV ફૂટેજ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે લૂંટમાં વપરાયેલી ટાટા ટિગોર કારની ઓળખ કરવામાં આવી હતી. કારના ફાસ્ટેગની વિગતો તપાસતાં પાલનપુર ટોલનાકા પરથી પસાર થયાની માહિતી મળી હતી. ત્યારબાદ રાજકોટ પોલીસે રાજસ્થાન પોલીસ સાથે સંકલન કરીને સરહદી વિસ્તારોમાં નાકાબંધી ગોઠવી હતી.
રાજસ્થાનના સિરોહી જિલ્લાના પિંડવાડા વિસ્તારમાંથી પોલીસે ટાટા ટિગોર કાર સાથે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પૂછપરછ દરમિયાન લૂંટનો મુદ્દામાલ અન્ય બે આરોપીઓ કિયા સોનેટ કારમાં લઈ ગયા હોવાની માહિતી મળી હતી. આ આધારે ઉદયપુર પોલીસે બડગાંવ વિસ્તારમાંથી કિયા સોનેટ કાર સાથે અન્ય બે આરોપીઓને ઝડપી પાડી મુદ્દામાલ કબજે કર્યો હતો.
ચોટીલાથી ભાગેલા આરોપીઓ સામખિયાળીથી ઝડપાયા
પોલીસ તપાસમાં અન્ય ત્રણ આરોપીઓ ચોટીલા નજીકની હોટલેથી મોબાઇલ ફોન બંધ કરીને ફરાર થયા હોવાનું સામે આવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેમનો પીછો કરીને કચ્છના સામખિયાળી પાસેથી તેમને ઝડપી પાડ્યા હતા. આ ઉપરાંત, રિફાઇનરીમાં કામ કરતા શૈલેન્દ્રસિંહની લૂંટમાં ટીપ આપનાર તરીકેની કથિત ભૂમિકા સામે આવતાં તેની પણ ધરપકડ કરવામાં આવી હતી.
આ સમગ્ર ઓપરેશનમાં પોલીસે આશરે 946 ગ્રામ રિફાઇન સોનું, રૂ. 4.30 લાખની કિંમતનો ચાંદીનો ડસ્ટ પાવડર, ટાટા ટિગોર અને કિયા સોનેટ કાર તથા મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 1.57 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે તમામ 10 આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ગુનામાં તેમની ભૂમિકા તથા અન્ય સંભવિત કડીઓ અંગે વધુ તપાસ શરૂ કરી છે.










