કલ્યાણપુરના મેવાસા ગામમાં એન્ટી નાર્કોટિક્સ વિંગનો દરોડો; ફૂલઝાડની વચ્ચે ગાંજાના છોડ ઉગાડ્યાનો અને સૂકો ગાંજો વેચ્યાનો આરોપ, અન્ય એક સાધુની શોધખોળ શરૂ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગાંજાના ગેરકાયદે વાવેતર અને વેચાણ સામે કાર્યવાહી દરમિયાન પોલીસને ચોંકાવનારી માહિતી મળી છે. કલ્યાણપુર તાલુકાના મેવાસા ગામની સીમમાં આવેલા એક મંદિરના પટાંગણમાં ગાંજાનું વાવેતર કરવામાં આવતું હોવાની બાતમીના આધારે એન્ટી નાર્કોટિક્સ વિંગે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે ₹6.07 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 64 વર્ષીય પૂજારીની ધરપકડ કરી છે.
મેવાસા ગામના મંદિર પર પોલીસનો દરોડો
મળતી માહિતી મુજબ, કલ્યાણપુરથી આશરે 42 કિલોમીટર દૂર મેવાસા ગામની સીમમાં ભોપા મઢી વિસ્તારમાં આવેલા સાત લુહારી માતાજીના મંદિરના પટાંગણમાં પોલીસની ટીમે તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન મેવાસા ગામના રહેવાસી અને મંદિરમાં સેવા-પૂજા કરતા 64 વર્ષીય મેરામણ સાજણ ગાધેરની ગાંજાના વાવેતર અને વેચાણના આરોપસર અટકાયત કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, મંદિરના પરિસરમાં ગાંજાના છોડ ઉગાડવામાં આવતા હતા અને સૂકો ગાંજો વેચવામાં આવતો હોવાની વિગતો સામે આવી છે.
₹6.07 લાખનો મુદ્દામાલ જપ્ત
દરોડા દરમિયાન પોલીસે કુલ ₹6,07,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે આરોપી પૂજારી વિરુદ્ધ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સિસ (NDPS) એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સાધુ સાથે ગાંજાનું સેવન અને વેચાણ કર્યાનો આરોપ
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવેલી વિગતો અનુસાર, મંદિર નજીકના એક રૂમમાં રહેતા સાધુ અને પૂજારી ગાંજાની ચલમ પીતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સાધુ પાસેનો ગાંજાનો જથ્થો પૂરો થઈ જતાં, તેના પાસે રહેલાં બીજમાંથી આશરે દસ દિવસ પહેલાં મંદિરના પટાંગણમાં ફૂલઝાડની વચ્ચે ગાંજાના છોડ વાવવામાં આવ્યા હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે.
પોલીસના જણાવ્યા મુજબ, બંને ગાંજાનું સેવન કરવા ઉપરાંત મંદિરની આસપાસ આવતા મજૂરો અને અન્ય લોકોને સૂકો ગાંજો વેચતા હોવાની વિગતો પણ સામે આવી છે.
અન્ય એક સાધુની શોધખોળ
આ કેસમાં અન્ય એક સાધુની સંડોવણી હોવાની વિગતો સામે આવતાં પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. સમગ્ર પ્રકરણમાં ગાંજાના વાવેતર અને વેચાણ સાથે સંકળાયેલા અન્ય લોકોની ભૂમિકા અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
નોંધ: આ મામલે પોલીસની તપાસ ચાલુ છે. આરોપો અંગેનો અંતિમ નિર્ણય કોર્ટની કાનૂની પ્રક્રિયા બાદ જ આવશે.










