મનપાની સામાન્ય સભામાં ‘શ્રી વિજયભાઈ રૂપાણી થ્રી-લેયર આઇકોનિક બ્રિજ’ નામકરણની દરખાસ્ત સર્વાનુમતે મંજૂર; મેયર ડો. નેહલ શુક્લએ કરી જાહેરાત
રાજકોટના કાલાવડ રોડ પર કટારિયા ચોકડી ખાતે નિર્માણાધીન થ્રી-લેયર ઓવરબ્રિજ અને અંડરબ્રિજને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીનું નામ આપવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં બ્રિજના નામકરણ અંગે રજૂ કરવામાં આવેલી દરખાસ્તને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે. મેયર ડો. નેહલ શુક્લએ આ અંગે જાહેરાત કરી હતી.
‘શ્રી વિજયભાઈ રૂપાણી થ્રી-લેયર આઇકોનિક બ્રિજ’ નામ નક્કી
નવા રિંગ રોડના જંકશન પર બની રહેલા આ આઇકોનિક બ્રિજનું નામ ‘શ્રી વિજયભાઈ રૂપાણી થ્રી-લેયર આઇકોનિક બ્રિજ’ રાખવા માટે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયાએ દરખાસ્ત રજૂ કરી હતી. શાસક પક્ષના નેતા ડો. હિરેન ખીમાણીયાએ આ દરખાસ્તને ટેકો આપ્યો હતો. ત્યારબાદ સામાન્ય સભામાં તેને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી.
આવતા વર્ષના અંત સુધીમાં બ્રિજ તૈયાર થવાની સંભાવના
કટારિયા ચોકડી ખાતે નિર્માણ પામી રહેલો થ્રી-લેયર બ્રિજ રાજકોટના નવા રિંગ રોડ જંકશન પર ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી રહ્યો છે. આ બ્રિજનું કામ આવતા વર્ષના અંત સુધીમાં પૂર્ણ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બ્રિજ તૈયાર થયા બાદ તે સ્વ. વિજયભાઈ રૂપાણીના નામથી ઓળખાશે.
મેયરથી મુખ્યમંત્રી સુધીની સફરને અપાઈ સ્મૃતિરૂપ ઓળખ
સ્વ. વિજયભાઈ રૂપાણીએ રાજકોટના મેયરથી લઈને ગુજરાતના મુખ્યમંત્રી સુધીની રાજકીય સફર ખેડી હતી. શહેર અને રાજ્યના વિકાસમાં તેમના યોગદાનને ધ્યાનમાં રાખીને નિર્માણાધીન બ્રિજને તેમનું નામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં તેમના નામ સાથે બ્રિજની ઓળખ જોડવાનો નિર્ણય લેવાતા આ મહત્વપૂર્ણ જાહેર પ્રોજેક્ટ તેમની સ્મૃતિ સાથે જોડાશે.










