વડોદરાના નંદેસરી નજીક વહેલી સવારે અકસ્માત; ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમે વિસ્તાર કોર્ડન કર્યો, લીકેજ બંધ કરવું જોખમી હોવાથી ટેન્કર ખાલી થાય ત્યાં સુધી રાહ
વડોદરા નજીક નંદેસરી વિસ્તારમાંથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર આજે વહેલી સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો. દહેજથી જયપુર જઈ રહેલા LPG ગેસ ભરેલા ટેન્કરને પાછળથી આવી રહેલા દૂધના ટેન્કરે જોરદાર ટક્કર મારતાં ગેસ ટેન્કરના પાછળના ભાગે આવેલા વાલ્વમાંથી લીકેજ શરૂ થયું હતું. ગેસ ફેલાવાને કારણે ગંભીર દુર્ઘટનાની આશંકા ઊભી થતાં સાવચેતીના પગલાંરૂપે હાઈવે પરનો વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો.
વહેલી સવારે ચાર વાગ્યે અકસ્માત
પ્રાપ્ત વિગતો અનુસાર, આ ઘટના આજે પરોઢિયે આશરે ચાર વાગ્યે બની હતી. LPG ગેસ ભરેલું ટેન્કર દહેજથી જયપુર તરફ જઈ રહ્યું હતું અને નંદેસરી નજીકથી પસાર થતું હતું. આ દરમિયાન પાછળથી આવી રહેલા દૂધના ટેન્કરે તેને ધડાકાભેર ટક્કર મારી હતી. ટક્કર બાદ ગેસ ટેન્કરના પાછળના ભાગે આવેલા વાલ્વમાંથી LPG લીક થવા લાગ્યું હતું. આસપાસના વિસ્તારમાં ગેસ ફેલાતાં અકસ્માતની ગંભીરતા વધી હતી.
પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો દોડી આવી
ઘટનાની જાણ થતાં જ નંદેસરી પોલીસ અને વડોદરા ફાયર બ્રિગેડની ટીપી-13 ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ગેસ લીકેજને કારણે આગ કે અન્ય ગંભીર દુર્ઘટના સર્જાવાની શક્યતાને ધ્યાનમાં રાખીને આસપાસના વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો હતો. સુરક્ષાના ભાગરૂપે એક્સપ્રેસ-વે પરનો વાહનવ્યવહાર બંધ કરાવી દેવામાં આવ્યો હતો, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.
આઠ કલાક બાદ પણ લીકેજ બંધ થયું નથી
અકસ્મિક ગેસ લીકેજને કારણે હાઈવે બંધ થતાં અનેક વાહનચાલકો અટવાઈ ગયા હતા. કેટલાક વાહનચાલકોને લાંબો રસ્તો કાપીને પરત ફરવાની ફરજ પડી હતી. ઘટનાના આઠ કલાક બાદ પણ વાહનવ્યવહાર શરૂ થઈ શક્યો નહોતો.
ટીપી-13ના સ્ટેશન ઓફિસર કિરણ બારીયાના જણાવ્યા અનુસાર, ટેન્કરમાંથી ગેસનું લીકેજ ચાલુ છે. ટેન્કરની નજીક જઈને લીકેજ બંધ કરવું જોખમી હોવાથી હાલ ટેન્કર ખાલી થાય ત્યાં સુધી રાહ જોવામાં આવી રહી છે.
ગેસ લીકેજની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સાવચેતી રાખવામાં આવી રહી છે. ટેન્કરનું લીકેજ બંધ થાય અને પરિસ્થિતિ સુરક્ષિત બને ત્યારબાદ જ હાઈવે પર વાહનવ્યવહાર ફરી શરૂ કરવા અંગે નિર્ણય લેવાય તેવી શક્યતા છે.










