વીજ વપરાશમાં 1,160 મિલિયન યુનિટનો વધારો, જ્યારે સરકારી વીજ ઉત્પાદનમાં 2,280 મિલિયન યુનિટનો ઘટાડો નોંધાયો; મોંઘી વીજ ખરીદી અને સરકારના આયોજન સામે કોંગ્રેસે ઉઠાવ્યા સવાલો.
ગુજરાતને ‘પાવર સરપ્લસ’ રાજ્ય તરીકે રજૂ કરવામાં આવે છે, પરંતુ વીજસંકટની સ્થિતિએ રાજ્યના વીજ આયોજન અંગે ચર્ચા જગાવી છે. એક તરફ સરકારી વીજ ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે, તો બીજી તરફ ખાનગી કંપનીઓ પાસેથી વીજળી ખરીદવા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થયો છે. જો રાજ્યમાં પૂરતી વીજ ઉત્પાદન ક્ષમતા ઉપલબ્ધ છે, તો વધારાની વીજળી ખરીદવાની જરૂર કેમ ઊભી થાય છે, તેવો સવાલ ઉઠી રહ્યો છે.
બે વર્ષમાં વીજ ખરીદી પાછળ ₹15,395 કરોડનો ખર્ચ
વિધાનસભામાં રજૂ થયેલી માહિતીના આધારે ઉપલબ્ધ આંકડાઓ મુજબ, વર્ષ 2024માં અદાણી પાવર પાસેથી 15,492 મિલિયન યુનિટ વીજળી ખરીદવા માટે ₹8,095 કરોડ ખર્ચાયા હતા. જ્યારે વર્ષ 2025ના આંકડા મુજબ 13,223 મિલિયન યુનિટ વીજળીની ખરીદી પાછળ ₹7,300 કરોડનો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે. આમ, બંને વર્ષ દરમિયાન કુલ 28,715 મિલિયન યુનિટ વીજળીની ખરીદી પાછળ ₹15,395 કરોડ ખર્ચાયા હોવાનું જણાવાયું છે.
વર્ષ 2024-25 દરમિયાન 11,777 મિલિયન યુનિટ વીજળીની ખરીદી, ₹1,322 કરોડના ફિક્સ્ડ ચાર્જ અને પ્રતિ યુનિટ ₹3.77ના સરેરાશ વેરીએબલ ખર્ચનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. વીજ ખરીદીના વાસ્તવિક ખર્ચનું ચિત્ર સ્પષ્ટ થાય તે માટે કરારની શરતો, સમયગાળો અને કુલ ચૂકવણીની વિગતો જાહેર કરવાની માગ ઊઠી છે.
વીજ વપરાશ વધ્યો, સરકારી ઉત્પાદન ઘટ્યું
ઉપલબ્ધ આંકડાઓ મુજબ, ગુજરાતમાં વીજ વપરાશ વર્ષ 2024માં 1,26,698 મિલિયન યુનિટ હતો, જે વર્ષ 2025માં વધીને 1,28,128 મિલિયન યુનિટ થયો હતો. બીજી તરફ, સરકારી વીજ કંપનીઓનું ઉત્પાદન 1,21,776 મિલિયન યુનિટથી ઘટીને 1,19,498 મિલિયન યુનિટ થયું હતું.
આમ, દર્શાવેલા આંકડાઓ પ્રમાણે વીજ વપરાશમાં 1,430 મિલિયન યુનિટનો વધારો થયો હતો, જ્યારે સરકારી વીજ ઉત્પાદનમાં 2,278 મિલિયન યુનિટનો ઘટાડો નોંધાયો હતો. આ સ્થિતિને પગલે સરકારી વીજ મથકોના ઉત્પાદન અને ખાનગી વીજળી પરની નિર્ભરતા અંગે સવાલો ઊભા થયા છે.
વીજ મથકોના ઉત્પાદન અંગે વિગતો જાહેર કરવાની માગ
ઉનાળાની ગરમી, ખેતી માટેની વીજ જરૂરિયાત, ઔદ્યોગિક ઉત્પાદન અને ઘરેલુ વપરાશને કારણે વીજ માંગ વધવાની શક્યતા અગાઉથી જાણી શકાય છે. આવી સ્થિતિમાં સરકારી વીજ ઉત્પાદનમાં ઘટાડો કેમ થયો અને ખાનગી કંપનીઓ પાસેથી વીજળી ખરીદવાની જરૂરિયાત કેમ ઊભી થઈ, તે અંગે સ્પષ્ટતા કરવાની માગ થઈ રહી છે.
સરકારે દરેક સરકારી વીજ મથકનું ઉત્પાદન, સ્થાપિત ક્ષમતા, ક્ષમતાનો વાસ્તવિક ઉપયોગ, જાળવણી દરમિયાન બંધ રહેલા સમયગાળા, ઈંધણની ઉપલબ્ધતા અને ઉત્પાદન ઘટવાનાં કારણો જાહેર કરવા જોઈએ. સાથે જ સરકારી વીજ ઉત્પાદનના ખર્ચ અને ખાનગી કંપનીઓ પાસેથી ખરીદાતી વીજળીના દરની તુલનાત્મક વિગતો પણ રજૂ કરવી જોઈએ.
ટૂંકા ગાળાના વીજ કરારોના દર જાહેર કરવાની માગ
રાજ્ય સરકારે ઓક્ટોબર માટે 2,999 મેગાવોટ, નવેમ્બર માટે 1,740 મેગાવોટ અને ડિસેમ્બર માટે 1,335 મેગાવોટના ટૂંકા ગાળાના વીજ કરારો અંગે જાહેરાત કરી હતી. જોકે, આ કરારોમાં કઈ કંપની પાસેથી વીજળી ખરીદાશે, પ્રતિ યુનિટ દર કેટલો રહેશે, કરારનો સમયગાળો કેટલો હશે અને કુલ નાણાકીય જવાબદારી કેટલી થશે, તે અંગે પારદર્શિતા જરૂરી હોવાનું કોંગ્રેસે જણાવ્યું છે.
અન્ય ઉપલબ્ધ વીજ સ્રોતોની સરખામણીએ આ કરારોના દર કેટલા સ્પર્ધાત્મક છે, તેની વિગતો પણ જાહેર કરવાની માગ કરવામાં આવી છે. વીજ ઉત્પાદન અને ખરીદીના ખર્ચ અંગે સ્પષ્ટ માહિતી સામે આવે તો જ ગુજરાતમાં વીજસંકટ પાછળનાં કારણો અને સરકારના આયોજનની અસરકારકતાનું મૂલ્યાંકન થઈ શકે.










