રેલનગર અને કોઠારિયામાં પોલીસના દરોડા; 324 બોટલ દારૂ સહિત રૂ. 6.13 લાખનો મુદ્દામાલ જપ્ત, એકની ધરપકડ
રાજકોટમાં નવરાત્રી પૂર્ણ થતાં જ દારૂની હેરાફેરી કરતા બુટલેગરો ફરી સક્રિય થયા હોય તેમ પોલીસની કાર્યવાહી દરમિયાન બે વાહનોમાંથી વિદેશી દારૂની 324 બોટલ મળી આવી હતી. એલસીબી ઝોન-2એ રેલનગરમાંથી 240 બોટલ દારૂ ભરેલી માલવાહક ગાડી સાથે એક શખ્સની ધરપકડ કરી હતી, જ્યારે ક્રાઈમ બ્રાન્ચે કોઠારિયા રોડ પરથી દારૂ ભરેલી અર્ટિગા કાર કબજે કરી હતી. આ દરમિયાન કારમાં હાજર શખ્સ ફરાર થઈ જતાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. બંને કાર્યવાહી દરમિયાન કુલ રૂ. 6.13 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.
એલસીબી ઝોન-2ની ટીમને બાતમી મળતાં રેલનગરના મેરી ગોલ્ડ એપાર્ટમેન્ટ નજીક વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન ટાટા માલવાહક ગાડી રોકીને તપાસ કરતાં તેમાંથી રૂ. 80,640ની કિંમતની વિદેશી દારૂની 240 બોટલ મળી આવી હતી. પોલીસે દારૂ અને વાહન સહિત રૂ. 1,80,640નો મુદ્દામાલ કબજે કરી દિગ્વિજયસિંહ ઘનશ્યામસિંહ ગોહિલ (ઉં.વ. 42)ની ધરપકડ કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પકડાયેલા શખ્સ સામે અગાઉ પણ દારૂ સંબંધિત ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. તે આશરે એક મહિના પહેલાં ગોવાથી દારૂનો જથ્થો લાવી સ્થાનિક સ્તરે વેચાણ કરતો હોવાની માહિતી પણ સામે આવી છે.
બીજી તરફ, ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળતાં કોઠારિયા મેન રોડ પર ગ્રીન પાર્ક ચારણવાડી પાછળના જાહેર પાર્કિંગમાં તપાસ હાથ ધરાઈ હતી. ત્યાં પાર્ક કરેલી મારુતિ સુઝુકી અર્ટિગા કારની ડેકીમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 84 બોટલ મળી આવી હતી, જેની કિંમત રૂ. 32,928 છે. પોલીસને જોઈ કારમાં હાજર શખ્સ અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. પોલીસે દારૂ અને કાર સહિત રૂ. 4,32,928નો મુદ્દામાલ કબજે કરી ફરાર શખ્સને પકડવા તપાસ શરૂ કરી છે.










