લુટાવદર નજીક રેતી ભરેલા ડમ્પરની ટક્કરથી કારનો કચ્ચરઘાણ; 6 શ્રમિકો ઈજાગ્રસ્ત થતાં રાજકોટ ખસેડાયા
મોરબીઃ મોરબી જિલ્લાના પીપળીયા હાઈવે પર લુટાવદર ગામ નજીક રેતી ભરેલા ડમ્પર અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. પુરપાટ ઝડપે આવતા ડમ્પરે કારને જોરદાર ટક્કર મારતાં કારને ભારે નુકસાન થયું હતું. આ દુર્ઘટનામાં કારમાં સવાર બે શ્રમિકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય છ શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, કારમાં કુલ આઠ શ્રમિકો મુસાફરી કરી રહ્યા હતા. ડમ્પરની જોરદાર ટક્કરથી કારમાં સવાર શ્રમિકો ફસાઈ ગયા હતા. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં. ભારે જહેમત બાદ તમામને બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, બે શ્રમિકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજતાં પરિવારોમાં શોક છવાઈ ગયો હતો.
અકસ્મતમાં ઈજાગ્રસ્ત થયેલા છ શ્રમિકોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
સ્થાનિક પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી. અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો અને ડમ્પરચાલકની બેદરકારી હતી કે કેમ તે સહિતનાં પાસાંઓ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.










