ગોલ્ડન સિટી રો હાઉસના પાર્કિંગમાં ધડાકાથી અફરાતફરી; ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો, સદનસીબે જાનહાનિ નહીં
સુરતઃ શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલા ગોલ્ડન સિટી રો હાઉસમાં ઈલેક્ટ્રિક વાહનમાં અચાનક ધડાકા સાથે બ્લાસ્ટ થતાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં પાર્કિંગમાં ઊભેલાં અન્ય વાહનો પણ તેની ઝપેટમાં આવી ગયાં હતાં. આ ઘટનામાં કુલ ચાર કાર અને ત્રણ બાઈક સહિત સાત વાહનો બળીને ખાખ થઈ ગયાં હતાં.
ઈ-વાહનમાં થયેલા બ્લાસ્ટનો અવાજ સાંભળીને આસપાસના રહીશોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. અચાનક આગ ફાટી નીકળતાં વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા ઊંચે સુધી દેખાતાં સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આગની લપેટમાં આવતાં પાર્કિંગમાં ઊભેલાં ચાર કાર અને ત્રણ બાઈકને ભારે નુકસાન થયું હતું.
સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. ઈ-વાહનમાં બ્લાસ્ટ થવાનું ચોક્કસ કારણ હજી સ્પષ્ટ થયું નથી. આગ લાગવા પાછળનું કારણ જાણવા સંબંધિત તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.










