સરકારી અને ખાનગી હોસ્પિટલો-ક્લિનિક્સે 24 કલાકમાં જાણ કરવી પડશે; ભારત સરકારના IHIP પોર્ટલ પર 100 ટકા નોંધણી કરવાનો આદેશ
કચ્છ જિલ્લામાં જાહેર આરોગ્યના હિતને ધ્યાનમાં રાખીને સર્પદંશના તમામ કેસો અને તેના કારણે થતાં મૃત્યુની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. આ અંગે જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જિલ્લાની તમામ સરકારી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા સંચાલિત તથા ખાનગી આરોગ્ય સંસ્થાઓએ સર્પદંશના કેસો અને તેનાથી થતાં મૃત્યુની સંબંધિત સત્તાધિકારીને ફરજિયાત જાણ કરવાની રહેશે.
શંકાસ્પદ કેસની પણ જાણ કરવી પડશે
જાહેર કરાયેલી માર્ગદર્શિકા અનુસાર, કોઈપણ આરોગ્ય સંસ્થામાં સર્પદંશનો શંકાસ્પદ અથવા સંભવિત કેસ ઓળખાય કે દર્દી સર્પદંશની સારવાર માટે દાખલ થાય, ત્યારથી શક્ય હોય ત્યાં સુધી 24 કલાકની અંદર તેની જાણ સંબંધિત આરોગ્ય સત્તાધિકારીને કરવાની રહેશે. આ પ્રક્રિયા નિર્ધારિત પદ્ધતિ અનુસાર પૂર્ણ કરવાની રહેશે, જેથી જિલ્લામાં સર્પદંશના કેસોની સમયસર માહિતી ઉપલબ્ધ થઈ શકે.
IHIP પોર્ટલ પર 100 ટકા નોંધણીનો નિર્દેશ
આ ઉપરાંત, સર્પદંશના તમામ કેસો અને તેના કારણે થતાં મૃત્યુની ભારત સરકારના ‘IHIP’ (Integrated Health Information Platform) પોર્ટલ પર 100 ટકા નોંધણી થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. આ માટે તમામ સંબંધિત આરોગ્ય સંસ્થાઓએ નિયમો અને માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે.
આ વ્યવસ્થાનો હેતુ સર્પદંશના કેસોની યોગ્ય નોંધણી, સમયસર માહિતીનું સંકલન અને જાહેર આરોગ્યની દેખરેખને વધુ સુવ્યવસ્થિત બનાવવાનો છે. કચ્છ જિલ્લામાં કાર્યરત તમામ સરકારી અને ખાનગી આરોગ્ય સંસ્થાઓએ આ સૂચનાઓનું પાલન કરી સર્પદંશના કેસો તથા મૃત્યુ અંગેની માહિતી નિર્ધારિત સમયમર્યાદામાં નોંધાવવાની રહેશે.










